News of Wednesday, 12th March 2025
એપ્રિલ મહિનાથી નવી જંત્રીની અમલવારી થઈ શકે
મહેસુલ વિભાગે આખરી રીપોર્ટ ગુજરાત સરકારને સોંપ્યો : હવે સમગ્ર બાબતે મુખ્યમંત્રી કક્ષાએ સમિક્ષા બાદ આખરી નિર્ણય લેવાઈ શકે છે

અમદાવાદ, તા.૧૨: નવી જંત્રીના અમલને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે કે, એપ્રિલ મહિનાથી જંત્રી અમલવારીને વિચારણા થઈ રહી છે. જેના પગલે મહેસુલ વિભાગે આખરી રીપોર્ટ રાજ્ય સરકારને પણ સોંપ્યો છે ત્યારે સમગ્ર બાબતે મુખ્યમંત્રી કક્ષાએ સમિક્ષા બાદ આખરી નિર્ણય લેવાઈ શકે છે.
અત્રે જણાવીએ કે, અગાઉ જંત્રીને લઈ જિલ્લા કક્ષાએ વાંધા અરજીઓ મંગાવવામાં આવી હતી. જે બાદ હવે વાંધા સૂચનોની સમિક્ષા કરવામાં આવી છે અને ત્યારબાદ આખરી રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. જે રિપોર્ટ મુખ્યમંત્રી કક્ષાએ મોકલવામાં આવ્યો છે. જ્યાં સમિક્ષા બાદ અમલવારી અંગે આખરી નિર્ણય લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, નવી જંત્રીમાં ઘટાડાના વાંધા સામે વધારા માટે પણ રજૂઆતો મળી હતી
જંત્રી એટલે કે રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવતું લૅન્ડ વૅલ્યૂ સર્ટિફિકેટ. જંત્રી એટલે જમીન કે કોઈપણ પ્રોપર્ટીના ખરીદ વેચાણ માટે સરકાર દ્વારા નિર્ધારિત કરવામાં આવેલા લઘુતમ ભાવ.
જો તમારો વેચાણ દસ્તાવેજ જંત્રી કરતા વધુ હશે તો જ સરકારી ચોપડે તમે તે પ્રૉપર્ટીના માલિક છો તેવી નોંધણી થશે નહીંતર નહીં થાય.
જંત્રીના ભાવથી કોઈપણ પ્રોપર્ટીનો દસ્તાવેજ કરતી વખતે તમારે કેટલી સ્ટેમ્પ ડયુટી અને કેટલો રજિસ્ટ્રેશન ચાર્જ ચૂકવવો એ નક્કી કરવામાં મદદ મળે છે. બીજા રાજ્યોમાં તેને સર્કલ રેટ તરીકે ઓળખવામાં આવે છે.
રાજ્ય સરકાર દ્વારા જમીન અને મિલકતની બજાર કિંમતના આધારે નિયમિત સમયે સમીક્ષા કરવામાં આવે છે. અને ત્યાર બાદ સર્કલ રેટ એટલે કે જંત્રીના દર નક્કી કરવામાં આવે છે.
જંત્રીનો દર જમીન અને મિલકતનો પ્રકાર, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને લોકાલિટીને આધાર બનાવીને નક્કી કરવામાં આવે છે. આ ઉપરાંત જંત્રી દરમાં પ્રોપર્ટીની બજાર કિંમત પણ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. પ્રોપર્ટીની માર્કેટ વેલ્યુ જેટલી વધારે હશે, જંત્રીનો રેટ પણ તેટલો વધારે થશે.
અહીં સૌથી વધારે ધ્યાન આપવા જેવી બાબત એ છે કે કોમર્શિયલ પ્રોપર્ટીનો જંત્રી દર વધારો હોય છે, જ્યારે રહેણાંક સપંત્તિનો જંત્રી દર વધારે હોય છે.
ગુજરાતમાં જંત્રીના રેટ નક્કી કરવા માટે પાડોશી મહારાષ્ટ્રની પેટર્નનું અનુકરણ કરવામાં આવ્યું છે. મહારાષ્ટ્રમાં દર વર્ષે જંત્રીના દર બદલવામાં આવે છે.
જો બજાર કિંમતમાં સતત વધારો થતો રહે તો જંત્રીના દર વધે છે અને બજારમાં કોઈ નેગેટિવ ઇફેકટ આવે તો દરમાં ઘટાડો પણ થઈ શકે છે.
જંત્રીના દરને કયા પરિબળો અસર કરે છે ? : જમીનના લોકેશન આધારે જંત્રીના દર નક્કી થાય છે અને રાજ્યના કોઈ પણ વિસ્તારમાં જમીન અથવા મકાનની લઘુત્તમ કિંમત નક્કી કરાય છે. મિલકતના પ્રકારના આધારે જંત્રી નક્કી થાય છે અને મિલકતની આસપાસના ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી પણ જંત્રી નક્કી થાય છે.
તેમજ પ્રોપર્ટીની ઉંમર આધારે પણ જંત્રી નક્કી થાય છે. ઔદ્યોગિકની મિલકતની સરખામણીમાં રહેણાંક પ્રોપ્રટીની જંત્રી વધુ હોય છે અને પોશ વિસ્તારની મિલકતની જંત્રી ઉંચી હોય છે.
જંત્રીનું મહત્વ કેમ? : જંત્રીનો દર અનેક જગ્યાએ ઉપયોગમાં લેવાય છે. બેંક પાસેથી લોને લેવા માટે જંત્રીનો ઉપયોગ થાય છે તેમજ વિઝા માટે અરજી કરવા માટે દસ્તાવેજમાં જંત્રી ભૂમિકા ભજવે છે.
તેમજ જમીન હેતુ માટે લોન માટે પણ જંત્રીનો દર ઉપયોગમાં આવે છે અને ઉધારમાં લીધેલી લોનની ક્રેડિટ મર્યાદા વધારવા પણ જંત્રી ઉપયોગમાં આવે છે. કેપિટલ ગેઈનમાં ટેક્સની ગણતરી વખતે જંત્રી ધ્યાને લેવાય છે.(૨૩.૩)
(9:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
