<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th March 2025

હોળીની હૈયાહોળીઃ ધાણી-ચણા-ખજૂરના ભાવમાં વધારો

અસત્‍ય પર સત્‍યનો વિજય, કરોડો રૂપિયાના ખર્ચે ઉજવાશે સુગંધિત રંગોનો જમાનો, કેમિકલ યુક્‍ત રંગો ઓઝલ થવા માંડયા

વડોદરા,તા.૧૨: હોળી પૂર્વે શહેરના રાજમાર્ગોના કિનારે ધાણી-ચણા, ખજૂર, હાઇડા, ખારીસિંગ સહિત સુગંધિત રંગો વેચવા આવ્‍યા છે. તદઉપરાંત હોળીમાં સળગાવવા માટે લાકર્ડીા, છાણા, ઘાસના પૂળા અને દિવેલા આવ્‍યા છે.

અસત્‍ય પર સત્‍યના વિજયની ઉજવણી કરોડો રૂપિયાના ખર્ચે કરાશે. શહેરના હોલસેલ બજારમાં જુવારની ધાણી રૂ.૭૦ થી ૯૦ના ભાવે ૧ કિલો મળે છે. જે ધાણી છૂટક બજારમાં રૂ.૫૦ની ૨૫૦ગ્રામ મળે છે. જ્‍યારે મકાઇની ધાણી રૂ.૯૦ થી ૧૧૦ના ભાવે વેચાય છે. અલબત્ત ૭ કિલોના કટ્ટામાં એક થી દોઢ કિલો જેટલી ફુટયા વગરની ધાણી (વેસ્‍ટ) નીકળતી હોવાની વ્‍યથા નાગરિકોએ ઠાલવી હતી. હોલસેલ માર્કેટમાં ખજુરનો ૧ કિલોનો ભાવ ક્‍વોલિટી મુજબ રૂ.૮૦ થી ૧૪૦૦ સુધી બોલાય છે.

હાયડા રૂ.૬૦ થી ૮૦ના ભાવે કિલો ઉપલબ્‍ધ છે. જ્‍યારે હળદરવાળા કે સાદા ચણા રૂ.૧૪૦ના ભાવે મળે છે. તદ ઉપરાંત ઘંઉની સેવ છૂટક બજારમાં રૂ.૫૦ની ૨૫૦ગ્રામ વેચાય છે. ગતવર્ષ કરતા હોળીની સામગ્રીના ભાવ ૧૦ ટકા કરતા વધુ વધ્‍યા છે. જેના અંતર્ગત કાર્યોમાં રો-મટિરિયલ્‍સ, મજુરી સહિતના અનેકવિધ કારણો જવાબદાર હોવાનું સંભળાય છે.

અનેક પ્રકારના સુગંધિત રંગો બજારમાં આવ્‍યા!

ધુળેટીના રંગોત્‍સવ માટે શહેરના બજારમાં ગુલાબી, જાંબલી, કેસરી, લીલો, પીળો, ગોલ્‍ડન - સીલ્‍વર સહિત સુગંધિત રંગો વેચાવા આવ્‍યા છે. છુટક બજારમાં ૧૦૦ ગ્રામના પેકેટ્‍સનો ભાવ રૂ.૪૦ વસુલવામાં આવે છે. પાકા રંગ ડબ્‍બા-પેકેટ્‍સ પણ વેચાવા મંડયા છે.

લાકડા-છાણાનું ધુમ વેચાણ

વૈદિક હોળીનો ટ્રેન્‍ડ ઉત્તરોતર વધતો જાય છે. અલબત શહેરમાં પાદરા તાલુકાના રણું, આણંદ, પેટલાદ, રાજપીપળા સહિતના અનેક વિસ્‍તારોમાંથી હોળીમાં સળગાવવા માટે લાકડા ઠલવાયા છે. જે રૂ.૧૬૦ થી ૧૮૦ના ભાવે ૨૦ કિલો મળે છે. છાણા રૂ.૧૫૦ના ભાવે ૨૦૦ કે ૨૫૦ નંગ, સૂકા ઘમસના પૂળા રૂ.૨૫ થી ૫૦ના ભાવે ઉપલબ્‍ધ છે. દિવેલાની ૮ થી ૧૦ ફૂટની કાળી રૂ.૫૧ના ભાવે મળે છે.

અવનવી પિચકારીઓ

શહેરના મંગળબજાર ન્‍યાયમંદિર, એમ.જી રોડ, રાવપુરા સહિત અનેક સ્‍થળે બાળકો માટે અનેક પ્રકારની રંગબેરંગી પિચકારીઓ વેચાવા આવી છે. જેના ભાવમાં પણ આ વર્ષે વધારો નોંધાયો છે.

 

 

(4:19 PM IST)