News of Wednesday, 12th March 2025
આગઝરતી ગરમી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં વીજ સંકટ :ઉકાઈ પાવર સ્ટેશન બેસી જતાં 32.37 લાખ ગ્રાહકો ગરમીમાં શેકાયા
7 જિલ્લા, 45 તાલુકા, 23 શહેર અને 3461 ગામોમાં વીજળી ઠપ્પ, ભરબપોરે પાવર કટ થતાં અકળાયેલા લોકોનો ટૉરેન્ટ પાવરની ઑફિસે હલ્લાબોલ

સુરત : ઉનાળાના પ્રારંભે હીટવેવના કારણે આગઝરતી ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, ત્યારે ઉકાઈ પાવર સ્ટેશન બેસી જતાં સમગ્ર દક્ષિણ ગુજરાતના વીજ સંકટ ઉભુ થયું છે. જેના પરિણામે 32.37 લાખ નાગરિકો ગરમીમાં શેકાવા મજબૂર બન્યા છે. બીજી તરફ ભર બપોરે પાવર કટથી અકળાયેલા લોકોએ ટૉરેન્ટ પાવરની ઑફિસે પહોંચી હોબાળો મચાવ્યો હતો.
હકીકતમાં સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વીજ પૂરવઠો પૂરું પાડતા ઉકાઈ થર્મલ પાવર સ્ટેશનની 4 યુનિટ ટ્રિપ થઈ ગઈ જતાં 500 મેગાવૉટ વીજ ઉત્પાદન બંધ થઈ ગયું હતુ. જેના પરિણામે 7 જિલ્લા, 45 તાલુકા, 23 શહેર અને 3461 ગામોમાં વીજ પૂરવઠો ખોરવાયો છે.
GETCO અને LMU તરફથી પ્રાપ્ત અહેવાલ અનુસાર, ઉકાઈ થર્મલ પાવર સ્ટેશન (TPS)ની 4 યુનિટ ટ્રિપ (વીજ ફોલ્ટને કારણે સર્કિટને નુક્સાન થવું) થઈ ગઈ છે, જેનાથી 500 મેગાવોટ વીજ ઉત્પાદનમાં ઘટાડો થયો છે. જેથી DGVCL હેઠળના વિવિધ સબ-સ્ટેશનો પર શૂન્ય વીજ પૂરવઠો જોવા મળ્યો છે, જે SPS (સિસ્ટમ પ્રોટેક્શન સ્કીમ) ઓપરેટ થવાને કારણે છે.
આ અંગે DGVCLના એમ.ડી. યોગેશ ચૌધરીએ જણાવ્યું કે, 400 KVની હાઈ વોલ્ટેજ સોર્સ લાઈન ટ્રિપ થઈ છે. સ્ટેટ લોડ ડિસ્પેન્સ સેન્ટર(જાંબુઆ)માં રિસ્ટોર કરવા માટે મેનેજ કરી રહ્યા છે. આખા દક્ષિણ ગુજરાતમાં આ સમસ્યા છે. ખાસ કરીને તાપી, ભરૂચ, રાજપીપળા, સુરત, નવસારી મોટાભાગે ડાઉન ફેઝમાં છે. એક કલાકમાં આ સમસ્યા દૂર થઈ જશે.
બીજી તરફ ભરૂચ રેલવે સ્ટેશનના CMI શુક્લાજીએ જણાવ્યું કે, પાવર કટ થતાં ટ્રેન વ્યવાહ ખોરવાઈ શકે છે. જો કે રેલવે પેસેન્જર ટ્રેનને કોઈ અસર નહીં થવા દે. માત્ર ગુડઝ ટ્રેનનું સંચાલન હાલ પુરતું અટકાવવામાં આવશે.
(6:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
