<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th March 2025

વિરમગામમાં ડાંગરની ખરીદીમાં ગેરરીતિ થયાની સરકારની કબૂલાત

વિધાનસભામાં અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે કોંગ્રેસના સવાલના જવાબમાં આ માહિતી આપી છે

ગાંધીનગર,તા.૧૨

વિરમગામમાં ખેડૂતો પાસેથી ડાંગરની ખરીદીમાં ગેરરીતિ થયાની છેવટે સરકારે કબૂલાત કરી છે. વિધાનસભામાં અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે કોંગ્રેસના સવાલના જવાબમાં આ માહિતી આપી છે. છેલ્લા કેટલાક સમયથી વિરમગામના ખેડૂતો ડાંગરની ખરીદીમાં ગેરરીતિ મામલે વિસ્તૃત તપાસની માગણી પણ કરી રહ્યા છે.

કોંગ્રેસના અમૃતજી ઠાકોર દ્વારા વિરમગામમાં ૨૦-૧૧-૨૦૨૩થી ૩૧-૧૨-૨૦૨૩ દરમિયાન ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ડાંગરની ખરીદીમાં ગેરરીતિ થયાની હકીકતથી સરકાર વાકેફ છે કે નહીં તે મુદ્દે સવાલ પૂછ્યો હતો. જેના લેખિત જવાબમાં વિભાગે ગેરરીતિ થયાની જાણકારી હોવાનું કહેતા ૩૧-૧૨-૨૦૨૪ની સ્થિતિએ વિરમગામ મામલતદાર દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવાઇ હોવાનું જણાવાયું હતું.

 તે સાથે વધુ માહિતી આપતા વિભાગે જણાવ્યું હતું કે વિરમગામ ખરીદ કેન્દ્ર ખાતે ડાંગરના જથ્થાની ગેરરીતિ ધ્યાનમાં આવતા ડાંગર વેચાણના ઉપલબ્ધ રેકર્ડના આધારે ખરેખર જથ્થો વેચાણ કર્યો હોય તેવા ખેડૂતોને અલગ તારવી ચૂકવણા અંગે કાર્યવાહી કરવાની તપાસ માટે અમદાવાદ કલેકટર દ્વારા સમિતિની નિમણૂક પણ કરાઈ છે. તે સાથે પુરવઠા નિગમની ગાંધીનગરની કચેરી દ્વારા પણ સમિતિની નિમણૂક કરી તપાસ શરૃ કરાઇ છે. તેનો અહેવાલ મેળવ્યા બાદ ફરિયાદ નોંધવામાં આવી છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન જ વિરમગામથી આવેલા કેટલાક ખેડૂતો દ્વારા સચિવાલય સામે ડાંગરની ખરીદીમાં ગેરરીતિ થયાનો આક્ષેપ કરી સમગ્ર મામલાની તપાસ CID ક્રાઇમને સોંપવાની માગણી સાથે દેખાવો કરાયા હતા. તેમણે બેનરો દર્શાવી વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ હાય હાયના નારા પણ લગાવ્યા હતા.

(9:59 PM IST)