<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th March 2025

'સુરાએ મારી જોડે માત્ર ટાઈમપાસ કર્યો..!'- વૉટ્સએપ મેસેજ મોકલી યુવતીની નર્મદા કેનાલમાં મોતની છલાંગ

જામપુર નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાં ફૂલવતી નામની યુવતીએ મોતની છલાંગ મારીને જિંદગી ટૂંકાવી

બનાસકાંઠા જિલ્લાના જામપુર નજીક એક યુવતીએ નર્મદા કેનાલમાં પડતું મૂકીને આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે. યુવતીએ અંતિમ પગલું ભરતા પહેલા પોતાના પરિવારને વોટ્સએપ મેસેજ મોકલી પોતાના મોત માટે સુરા અને સેજલ નામના બે જણાને જવાબદાર ઠેરવ્યા છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, જામપુર નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાં ફૂલવતી (24) નામની યુવતીએ મોતની છલાંગ મારીને જિંદગી ટૂંકાવી હતી. આ બાબતની જાણ થતાં કેનાલના કિનારે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. જ્યાં સ્થાનિક તરવૈયાઓએ ભારે જહેમત બાદ યુવતીના લાશને બહાર કાઢી હતી.

આ બનાવની જાણ થતાં શિહોરી પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. જેમણે પંચનામુ કરી યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે શિહોરી સરકારી હોસ્પિટલ ખસેડીને આગળની તપાસ હાથ ધરી હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક યુવતીએ અંતિમ પગલું ભરતા પહેલા પોતાના પરિવારને વોટ્સએપ પર મેસેજ મોકલ્યો હતો. જેમાં તેણીએ લખ્યું છે કે, હું જીવીશ, ત્યાં સુધી તમારે પ્રોબ્લેમ થશે. હું આ પગલું નહતી ભરવાની, પણ સુરા અને સેજલના કારણે ભરવું પડે છે. તેણે મારી જિંદગી બગાડી નાંખી. હું તમને હેરાન કે સમાજમાં બદનામ કરવા નથી માંગતી. સુરાને ક્યાંયનો ના રાખતી, તેણે મારી જોડે માત્ર ટાઈમ પાસ કર્યો હતો.

હાલ તો પોલીસે વોટ્સએપ મેસેજ અને પરિવારજનોના નિવેદન નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

(11:49 PM IST)