News of Wednesday, 12th March 2025
રાજ્યમાં કાળઝાળ ગરમી, હીટવેવથી અસરગ્રસ્ત વ્યક્તિની સારવાર અને સંભાળ કઈ રીતે કરવી ?
નાગરિકો માટે ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ, ગાંધીનગર દ્વારા માર્ગદર્શિકા જાહેર :કેટલીક આવશ્યક તકેદારી રાખવાથી અસહ્ય ગરમીથી રાહત મેળવી શકાય

અમદાવાદ :રાજ્યભરમાં કાળઝાળ ગરમી અનુભવાઈ રહી છે, ત્યારે હીટવેવથી બચવા માટે નાગરિકો માટે ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ, ગાંધીનગર દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. જે મુજબ કેટલીક આવશ્યક તકેદારી રાખવાથી અસહ્ય ગરમીથી રાહત મેળવી શકાય છે.
રાજ્યમાં હીટવેવની આગાહી જોતાં બાળકો, વૃદ્ધો, બિમાર વ્યક્તિ અને વધુ વજન ધરાવતા વ્યક્તિ કે જેઓ લૂનો ભોગ બનવાની સંભાવના વધુ ધરાવે છે. તેમની વિશેષ કાળજી લેવાની શક્યતા વધુ રહે છે. જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા લૂ થી અસરગ્રસ્ત વ્યક્તિઓની સારવાર અને સંભાળ લેવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું છે.
હીટવેવથી બચવા આ કાળજી રાખવી જરૂરી
હીટવેવ દરમિયાન જરૂરી ન હોય તો ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઈએ, આખું શરીર અને માથું ઢંકાય તે રીતે સફેદ સુતરાઉ ખુલતાં કપડાં પહેરવાં જોઈએ. ટોપી, ચશ્મા, છત્રીનો ઉપયોગ કરવો જોઈએ.
નાના બાળકો , સગર્ભા માતાઓ, વૃદ્ધો, અશક્ત અને બીમાર વ્યક્તિઓએ તડકામાં વિશેષ કાળજી લેવી જોઈએ.
ભીનાં કપડાથી માથું ઢાંકી રાખવું , અવાર - નવાર ભીનાં કપડાથી શરીર લુછવું અને વારંવાર ઠંડુ પાણી પીવું જોઈએ.
લૂથી અસરગ્રસ્ત વ્યક્તિની સારવાર માટે ભીના કપડાનો ઉપયોગ કરો અથવા તેના માથા પર ધીમે ધીમે હળવું પાણી રેડો.
શરીરમાં પાણીનું પ્રમાણ જળવાઈ રહે તે માટે અસરગ્રસ્ત વ્યક્તિને ORS અથવા લીંબુ સરબત જેવું પ્રવાહી આપો.
પ્રવાહી પદાર્થ પર જોર આપો
વરિયાળી, કાચી કેરી, અને કાળી દ્રાક્ષનું શરબત પીવું જોઇએ.
લીંબુ શરબત , મોળી છાશ , તાડફળી અને નારીયેળનું પાણી, ખાંડ- મીઠાનાં પીણાં પીવા જોઈએ.
બજારમાં મળતો ખુલ્લો વાસી ખોરાક, બરફ વગેરેનો ઉપયોગ ટાળવો જોઈએ.
લગ્ન પ્રસંગમાં દૂધ માવાની આઈટમ ન ખાવી જોઈએ.
ચા - કોફી અને આલ્કોહોલના સેવનથી લૂ લાગવાની શક્યતા વધે છે, તેથી તેનું સેવન કરવાનું ટાળવું જોઈએ.
તરસ ના લાગી હોય તો પણ યોગ્ય માત્રામાં પાણી પીવું જરૂરી છે.
શરીરમાં પ્રવાહીની માત્રા ઓછી ન થાય તે માટે ORS દ્રાવણ અથવા છાશ , લસ્સી , લીંબુ પાણી , ભાતનું ઓસામણ અને નારિયેળ પાણીનો ઉપયોગ કરો.
ઘરની બહાર જતા પહેલા આ વાતનું ધ્યાન રાખો
ઘરની બહાર જતી વખતે માથાનો ભાગ કપડાં પહેરવા
છત્રી કે ટોપીથી ઢાંકી રાખી વજનમાં અને રંગમાં હળવા પ્રકારનાં સુતરાઉ વસ્ત્રો પહેરો.
આંખોનાં રક્ષણ માટે ચશ્માં અને ત્વચાનાં રક્ષણ માટે સનસ્ક્રીમ લગાવો.
પ્રાથમિક સારવાર માટેની તાલીમ લો.
બાળકો, વૃદ્ધો, બિમાર વ્યક્તિ કે વધુ વજન ધરાવતાં વ્યક્તિ કે જેઓ " લૂ " ના ભોગ બનવાની સંભાવના વધુ ધરાવે છે તેમની વિશેષ કાળજી રાખો.
શક્ય હોય ત્યાં સુધી બપોરના 12 વાગ્યાથી 4 વાગ્યા સુધી તડકામાં બહાર ન નીકળવું.
શરીરમાંથી પાણીનું પ્રમાણ ઘટાડે તેવાં પીણાં જેવા કે ચા, કોફી, સોફ્ટ ડ્રિંક્સ ન લેવા, મસાલેદાર ,તળેલાં, વધુ પડતાં મીઠાશવાળા આહારનો ઉપયોગ ટાળવો.
લૂ લાગેલી વ્યક્તિની પ્રાથમિક સારવારની વાત કરીએ તો,ભીના કપડાનો ઉપયોગ કરો અથવા તેનાં માથા પર ઠંડું પાણી રેડો, શરીરમાં પાણીનું પ્રમાણ જળવાઇ રહે તે માટે ORS દ્રાવણ અથવા લીંબુ પાણી આપો, લૂ લાગેલ વ્યક્તિને તાત્કાલિક નજીકનાં આરોગ્ય કેન્દ્ર પર લઇ જવા જોઈએ. જો શરીરનું તાપમાન સતત વધતું હોય, માથામાં અસહ્ય દુઃખાવો થતો હોય, નબળાઇ હોય , ઉલટી થતી હોય કે બેભાન થઇ જાય તો તાત્કાલિક સારવાર લેવી જોઈએ.
(11:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
