<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th March 2025

વૃદ્ધોને મીઠી મીઠી વાતોમાં ફસાવી કાંડ કરીને થઈ જતી રફૂચક્કર

લાલબત્તી સમાન કિસ્‍સો : જીનલ ભાવસારે વૃદ્ધોને મીઠી વાતોમાં ફસાવીને પૈસા પડાવ્‍યા : વાડજ પોલીસે તેને ઝડપી પાડી છે : ૩૧ વર્ષીય જીનલ સાબરકાંઠાની છે અને ઇવેન્‍ટ મેનેજમેન્‍ટનું કામ કરે છે

અમદાવાદ, તા.૧૩: શહેરમાં મદદ કરવામાં પોતે ઉલ્લુ બન્‍યાનો લાલબત્તી સમાન કિસ્‍સો સામે આવ્‍યો છે. એક મહિલાએ વૃદ્ધોને મીઠી મીઠી વાતોમાં ફસાવીને તેમની પાસેથી રૂપિયા લઈને રફૂચક્કર થઈ ગઈ હોવાનો કિસ્‍સો સામે આવ્‍યો છે. મૂળ સાબરકાંઠાની ૩૧ વર્ષીય જીનલ ભાવસારે બે વૃદ્ધોને પોતાની જાળમાં ફસાવીને તેમના રૂપિયા લઈને ફરાર થઈ ગઈ હતી. જોકે, આ લોકોએ પોલીસ ફરિયાદ નોંધાવતા વાડજ પોલીસે તપાસ કરીને મૂળ સાબરકાંઠાની શાહીબાગમાં રહેતી જીનલ ભાવસારને ઝડપી લીધી છે.

પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે, શહેરના અખબારનગરમાં રહેતા ૬૦ વર્ષીય દુધાભાઈ સોલંકી ટોરેન્‍ટ પાવરમાં નોકરી કરે છે. તેઓ ૨૪ ફેબ્રુઆરીના રોજ પૌત્રને સ્‍કૂલે લેવા ગયા હતા. જે બાદ પૌત્રને લઈને બેક્રમાં ગયા હતા. જ્‍યાંથી તેમણે એક લાખ ઉપાડીને ઘરે જતા હતા. ત્‍યારે મામલતદાર કચેરી પાસે એક મહિલા ટુ વ્‍હીલર લઈને આવી અને સ્‍કૂટી તેમની સાથે વાતો કરવા લાગી. યુવતી પૌત્ર અને તેની માતાને ઓળખે છે તેવો ડોળ કર્યો હતો. જેથી દુધાભાઈએ એની સાથે વાતચીત ચાલુ રાખી. જે બાદમાં મહિલાને રૂપિયાની તાતી જરૂર હોવાનું દુધાભાઈને જણાવ્‍યું. જેથી તેમણે છ હજાર રૂપિયા આપ્‍યા હતા. મહિલાએ વધુ નાણાંની જરૂર હોવાનું કહેતા દુધાભાઈએ ૫૦ હજાર આપ્‍યા હતા. ત્‍યારબાદ પણ મહિલાએ વધુ રૂપિયાની માંગણી કરતા દુધાભાઈએ વધુ ૫૦ હજાર આપ્‍યા હતા. ત્‍યારબાદ મહિલા દુધાભાઈ અને તેમના પૌત્રને ઘરે મૂકી જવાનું કહીને પોતાના ટુ વ્‍હીલર પર બેસાડીને ઘરે મૂકવા જવાનું કહ્‍યું. જોકે, અધવચ્‍ચે જ તેણે બહાનું કર્યું કે મારે દુકાનમાં જવાનું છે. તેથી દાદા અને પૌત્રને ઉતારીને એક લાખ રૂપિયા લઈને ગાયબ થઈ ગઈ હતી.

બીજા કિસ્‍સામાં મહિલાએ રાણીપમાં રહેતા ૬૫ વર્ષના કોકીલાબેન પટેલને પણ પોતાની મીઠી મીઠી વાતોમાં ફસાવી દીધા હતા. સાતમી જાન્‍યુઆરીના રોજ બપોરે કોકીલાબેન મામાજીના દીકરાના ઘરે ગયા હતા. આ દરમિયાન રાધાસ્‍વામી રોડ પર સર્વેશ્વર મંદિર પાસે અજાણી મહિલા વાહન લઈને આવી હતી. તેણે ભગવાનની પ્રસાદી લાવવા માટે રૂપિયાની માંગણી કરી હતી. જેથી કોકીલાબેને એક હજાર આપ્‍યા હતા. યુવતીએ વધુ નાણાં માગતા કોકીલાબેન તેને ઘરે લઈ ગયા હતા. જ્‍યાં મહિલા ઘરમાં ઘૂસીને ૨૫ હજાર લઈને રફૂચક્કર થઈ ગઈ હતી.

આ અંગેની ફરિયાદ નોંધાતા વાડજ પોલીસે તપાસ કરીને મૂળ સાબરકાંઠાની જીનલ ભાવસારને ઝડપી પાડી છે. આ અંગે વાડજ પોલીસે જણાવ્‍યું કે, આરોપીએ રાણીપ અને વાડજમાં ત્રણ ગુના આચર્યા છે. તે ઇવેન્‍ટ મેનેજમેન્‍ટનું કામ કરે છે પરંતુ ચાર-પાંચ માસ પહેલા ઘાટલોડિયાના યુવક સાથે લગ્ન કર્યા હતા. જેના ખર્ચને પહોંચી વળવા માટે તેણે સિનિયર સિટીઝનોને ટાર્ગેટ કરી રૂપિયા પડાવતી હતી.(૨૩.૬)

(9:55 AM IST)