<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th March 2025

સાસરિયાં વિરુદ્ધ ખોટી ફરિયાદ કરનારી પુત્રવધૂને ૧૦૦૦૦નો દંડ

ફરિયાદીએ કરેલી ફરિયાદ તદ્દન ઉપજાવી કાઢેલી અને ખોટી હોવાનું માનવાપાત્ર છેઃ કોર્ટ

અમદાવાદ,તા.૧૩: ઇસનપુર વિસ્‍તારમાં સાસરિયાં સામે પુત્રવધૂએ કરેલી શારિરીક માનસિક ત્રાસ અને દહેજની માગણીની ફરિયાદમાં કોર્ટે તમામને નિર્દોષ છોડી મૂકવા આદેશ કર્યો છે. ઉપરાંત સાસરિયાં સામે ખોટી ફરિયાદ કરનારી પુત્રવધૂને ૧૦ હજાર દંડ કરવાનો મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્‍યો છે. ઉપરાંત દંડની રકમ સાસરિયાંને વળતર પેટે ચૂકવી આપવા આદેશ કર્યો છે. આરોપીઓને નિર્દોષ છોડતા ચુકાદામાં એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્‍ટ્રેટ બી.પી.મહિડાએ નોંધ્‍યું હતું કે, આરોપીઓ સામે ફરિયાદ પક્ષ કોઇ પણ પ્રકારની હકીકત પુરવાર કરી શકયું નથી. ફરિયાદ તદ્દન ઉપજાવી કાઢેલી અને ખોટી હોવાનું માનવાપાત્ર છે અને આરોપીઓને હેરાનગતિ કરવાના બદઇરાદાથી ફરિયાદ કરવામાં આવી છે. તેથી આરોપીઓને યોગ્‍ય વળતર ચૂકવવું ન્‍યાયોચિત જણાય છે.

ઇસનપુર વિસ્‍તારમાં રહેતી મીનાના લગ્ન ૨૦૧૮માં મોહિત સાથે થયા હતા. જો કે, બન્ને વચ્‍ચે મનમેળ ન રહેતા મીના પિયર જતી રહી હતી. ત્‍યારબાદ વર્ષ ૨૦૨૦માં મીનાએ પતિ સહિતના સાસરિયાં સામે ઇસનપુર પોલીસ મથકમાં શારિરીક માનસિક ત્રાસ અને દહેજની માગણી સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાવી હતી. જેમાં એવો આક્ષેપ કર્યો હતો કે, સાસુ સહિતના લોકો નાની નાની વાતે ઝઘડો કરી માર મારતા હતા. પતિ પણ તેના પરિવારનું ઉપરાણું લઇ ઝઘડો કરતો હતો અને કયાંય લઇ જતો ન હતો અને ત્રાસ આપતો હતો.

આ મામલે ઇસનપુર પોલીસે તપાસ કરી ચાર્જશીટ કરતા કેસ ચાલવા પર આવ્‍યો હતો. જેમાં આરોપી તરફે એડવોકેટ એન. વી. પરમારે કોર્ટમાં દલીલ કરી હતી કે, ફરિયાદી દ્વારા ફરિયાદ કોઇ પણ જાતના વાજબી કારણ વગર બે વર્ષ બાદ કરાઈ છે, ફરિયાદમાં બનાવની કોઇ તારીખ પણ દર્શાવવામાં આવી નથી, શારિરીક માનસિક ત્રાસ અંગેની કોઇ પણ વિગત ફરિયાદમાં દર્શાવાઈ નથી, ફરિયાદ પક્ષને સાબિત કરે તેવા કોઇ જ પુરાવા નથી, ખોટી રીતે હેરાન પરેશાન કરવા માટે ફરિયાદ કરવામાં આવી છે, ફરિયાદને સમર્થન આપતા સાક્ષીઓ નથી, ત્‍યારે કોર્ટે આરોપીઓને નિર્દોષ છોડી મૂકવા જોઇએ. આવી રજૂઆત બાદ કોર્ટે સાસરિયાંને નિર્દોષ છોડી મૂકવા સાથે ફરિયાદીને ૧૦ હજાર દંડ કર્યો છે અને દંડની રકમ સાસરિયાંને (આરોપીઓને) વળતર પેટે ચૂકવી આપવા નિર્દેષશ આપ્‍યો છે.  (ઓળખ છુપાવા તમામ પાત્રોના નામ બદલ્‍યાં છે)

કોર્ટે ચુકાદામાં નોંધ્‍યું હતું કે, કેસની કાર્યવાહી ઝડપી ચલાવવાનો બન્ને પક્ષનો અધિકાર છે પરંતુ કેસ ઝડપી ચલાવવા માટે ફરિયાદ પક્ષે અરજી આપી હતી. આમ છતાં ફરિયાદી તરફે વારંવાર વગર કામની મુદતો લેવાઈ હતી. જેથી ફરિયાદીને જ ૨૦૦૦ રૂપિયા કોસ્‍ટ કરવામાં આવી હતી. તે કોસ્‍ટની રકમ પણના હુકમનું પાલન ફરિયાદીએ કર્યું નથી. ફરિયાદીએ પોતાના તરફે ખાનગી વકીલ પણ કેસ ચલાવવા રોકયા છે છતાં તેઓ અદાલત સમક્ષ નિયમિત કાર્યવાહી ચલાવવામાં વિલંબ કર્યો છે.(૪૦.૬)

(10:10 AM IST)