News of Thursday, 13th March 2025
પૂ.મોરારીબાપુ દ્વારા આદિવાસી વિસ્તારમાં શાળા દીઠ રૂ.૧ લાખ આપવાની જાહેરાત
તાપી જીલ્લાના સોનગઢ ખાતે આયોજિત શ્રીરામ કથામાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંધવી ઉપસ્થિત : શ્રીરામ કથા શ્રવણનો લાભ લીધો

રાજકોટ તા.૧૩
◦ પૂ. મોરારીબાપુની રામકથા તાપી જીલ્લાના સોનગઢ ખાતે ચાલી રહી છે. આ આદિવાસી વિસ્તારોમાં વટાળ પ્રવુતિઓ પણ ચાલે છે. અનેક કારણોસર લોકોનું ધર્માંતરણ કરાવવામાં આવી રહ્યું છે. કથા દરમિયાન એક શ્રોતાએ પૂ.મોરારીબાપુને વિનંતી કરી હતી કે આ વિસ્તારમાં શાળાઓ ઓછી છે અને તેથી મફત શિક્ષણ આપવાના બહાને ધર્માંતરણ કરવામાં આવી રહ્યું છે. તો આપને વિનંતી છે કે આપ સરકારને તથા ઉધોગ જગતના લોકોને અપીલ કરો અને વધુને વધુ શાળાઓનું નિર્માણ થાય તો વટાળ પ્રવુતિઓ અટકે.
◦ પૂ. મોરારીબાપુએ આ વેદનાનો પ્રતિસાદ આપતાં કહ્યું હતું કે એમની પાસે જ્યારે ઉદ્યોગપતિઓ આવશે તો ચોક્કસ નવી શાળાનું નિર્માણ થાય તેવુ કહેશે. એ ઉપરાંત પૂ. મોરારીબાપુએ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં જે પણ નવી શાળાનું નિર્માણ થાય તે વખતે પૂજ્ય બાપુનાં શ્રી ચિત્રકૂટ ધામ તલગાજરડા દ્વારા પ્રત્યેક શાળા દીઠ રુપિયા એક લાખનું તુલસીપત્ર અર્પણ કરવામાં આવશે. આજની કથામાં ગુજરાત સરકારના ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઇ સંધવી ઉપસ્થિત રહ્યા હતા અને પૂ. મોરારીબાપુએ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીનું તિલક કરીને સ્વાગત કર્યું હતું હર્ષ સંઘવીએ પૂ. મોરારીબાપુની શ્રીરામ કથા શ્રવણનો લાભ લીધો હતો. તેમ જયદેવભાઈ માંકડ(તલગાજરડા)ની યાદીમાં જણાવાયું છે.
(1:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
