<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th March 2025

પ્રજાપતિ સમાજનું સામાજિક-શૈક્ષણિક સંકુલ વિકાસની નવી દિશા આપશેઃ ભુપેન્‍દ્રભાઇ પટેલ

ગાંધીનગર પાસે પ્રજાપતિ સંમેલનમાં મુખ્‍યમંત્રીનું ઉદ્‌બોધન ગાંધીનગરના શેરથા ખાતે સમસ્‍ત પ્રજાપતિ સમાજના સંમેલન પ્રસંગે મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલ અને અન્‍ય અગ્રણીઓ ઉપસ્‍થિત રહેલ તે પ્રસંગની તસ્‍વીર

(અશ્વિન વ્‍યાસ દ્વારા) ગાંધીનગર, તા. ૧૩:  પાસેના શેરથા ખાતે સમસ્‍ત પ્રજાપતિ સમાજ ગુજરાતનુ સંમેલન યોજાયું હતું. સમસ્‍ત પ્રજાપતિ સમાજ ગુજરાતને શેરથા ગાંધીનગર મુકામે સામાજિક અને શૈક્ષણિક સંકુલ બનાવવા માટે જમીન ફાળવવામાં આવી છે, જેથી ગુજરાતના તમામ પ્રજાપતિ પરિવારજનો દ્વારા મુખ્‍યમંત્રીનું સન્‍માન કરવામાં આવ્‍યું હતું.આ પ્રસગે મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલએ કહ્યુ હતુ કે, પ્રજાપતિ સમાજ માટીને ઘાટ આપીને મૂલ્‍ય વર્ધન કરતો સમાજ છે, સરકાર સાથે સમાજ સત્‍કાર્યોમાં  જોડાય તો રાજ્‍ય અને દેશની વિકાસની ગતિ બમણી થાય છે.

મુખ્‍યમંત્રીએ જણાવ્‍યું હતું કે, સમાજ કેવી રીતે આગળ વધે એ માટે, હર હંમેશ સમાજના દરેક વ્‍યક્‍તિમાં સમાજ માટેની લાગણી હોય, સહયોગ હોય  અને સમાજ કેવી રીતે આગળ વધે એના માટેનો હર હંમેશ પ્રયત્‍ન કરેતો ચોક્કસ પરિણામ સારું મળી શકે છે. વડાપ્રધાન નરેન્‍દ્ર ભાઈ મોદીનો હંમેશાં  એક કાર્ય મંત્ર રહ્યો છે, ‘સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસ' આ કાર્યમંત્ર થકી આપણે સૌએ આગળ વધવાનું છે.

મુખ્‍યમંત્રીએ જણાવ્‍યું હતું કે, પ્રજાપતિ સમાજ માટીને ઘાટ આપીને મૂલ્‍ય વર્ધન કરતો સમાજ છે, જે સમાજ માટીને ઘાટ આપીને  એની કિંમત વધારી શકતો હોય તે સમાજ  આપણા સમાજના જવાનોને જો ઘાટ આપશે તો એ સમાજનો કેટલો બધો ઉદ્ધાર થઈ શકે છે, આ માટે ફક્‍ત આપણે બધા સાથે મળીને જો કામ કરીશું તો સમાજની જે અપેક્ષા છે, એ અપેક્ષા માટે સરકાર હરહંમેશ સાથે છે. સમાજની આવનારી યુવા પેઢી  સમય અનુકુળ ઘડતર માટે સામાજિક શૈક્ષણિક સંકુલ સંકલ્‍પ કર્યો તે સમગ્ર પ્રજાપતિ સમાજને વિકાસની નવી દિશા આપશે.

કાર્યક્રમમાં રાજ્‍યસભાના સાંસદ મયંક નાયક, પૂર્વ સાંસદ દિનેશ અનાવાડીયા, પ્રદેશ મંત્રી નૌકાબેન પ્રજાપતિ, પ્રમુખ અનિલ પ્રજાપતિ, વિરચંદભાઇ પ્રજાપતિ સહિત મોટી સંખ્‍યામાં સમાજ ઉપસ્‍થિત રહ્યો હતો

(3:50 PM IST)