News of Thursday, 13th March 2025
સુરતના ઉત્રાણ વિસ્તારમાં મહિલા સાથે સામૂહિક દુષ્કર્મ અને લૂંટથી ખળભળાટ : 2 આરોપીને પોલીસે દબોચ્યા
મહિલાને લોભામણી વાતોમાં ફસાવી ઓળખાણ કાઢી સુરત લઈ આવી દુષ્કર્મ આચર્યું :રોકડા રૂપિયા, દાગીના અને મોબાઇલની લૂંટ કરી : મહિલા સાથે ત્યાં અન્ય એક યુવકે પણ દુષ્કર્મ આચર્યું

સુરત: શહેરના ઉત્રાણ વિસ્તારમાં બનેલ એક ગેંગરેપ અને લૂંટની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી હતી. મહિલા ભાવનગરથી મહારાષ્ટ્ર જવા નીકળી હતી. ત્યારે અમદાવાદ સ્ટેશન પર એક વ્યક્તિ પત્ની અને બાળકો સાથે મળ્યો હતો અને મહિલાને પોતાની લોભામણી લાલચો વાળી વાતોમાં લઈ ઓળખાણ કાઢી તેને સુરત લઈ આવ્યા બાદ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં તેની પાસે રહેલા રોકડા રૂપિયા, દાગીના અને મોબાઇલની લૂંટ કરી લીધી હતી. જોકે આ મહિલા સાથે ત્યાં અન્ય એક યુવકે પણ દુષ્કર્મ આચર્યું હોવાનું પોલીસને જાણકારી આપવામાં આવી હતી
મહિલા ઇજાગ્રસ્ત હાલતમાં રસ્તા વચ્ચે અર્ધનગ્ન હાલતમાં પડેલી હતી. તે સમયે સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી અને પોલીસ મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ લાવ્યા બાદ સમગ્ર મામલો સામે આવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી બે આરોપીની ધરપકડ કરી છે.
ઉત્રાણ પોલીસ સ્ટેશન હદમાં એક વ્યક્તિએ પોલીસને જાણકારી આપી હતી કે ઉત્રાણ ખુલ્લી જગ્યામાં એક મહિલા અર્ધ બેભાન અવસ્થામાં અર્ધનગ્ન હાલતમાં છે. જેને લઈ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા બાદ આ મહિલાની સ્થિતિ યોગ્ય ન લાગતા 108 ઇમરજન્સી સેવા દ્વારા સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.
મહિલાએ સારવાર બાદ મોડી રાત્રે તબીબને જણાવ્યું હતું કે તે મૂળ મહારાષ્ટ્રની વતની છે અને ભાવનગરના પાલીતાણા ખાતે આવી હતી. ત્રણ દિવસ પહેલા તે મહારાષ્ટ્ર જવા નીકળી હતી અને અમદાવાદ રેલવે સ્ટેશન પર હરેશ નામનો વ્યક્તિ કે જે મૂળ ભાવનગરનો વતની છે તે સ્ટેશન પર તેની પત્ની અને બાળકો સાથે મળ્યો હતો. મહિલાને પહેલા તો ઓળખાણ કર્યા બાદ તેમનો પતિ તેમનો મિત્ર હોવાની વાત કરી હતી અને પોતે મહારાષ્ટ્ર જવાના હોવાથી હું તમને છોડી દઈશ એવું કહી વિશ્વાસમાં લીધા હતો અને સુરતના ઉધના રેલવે સ્ટેશન ખાતે તેઓ ઉતર્યા બાદ આ મહિલાને પોતાના ઘરે ઉત્રાણ પાસે લઈ ગયો હતો.
પોતાના ઘરે લઈ ગયા બાદ અને ઉત્રાણ રેલવે સ્ટેશન નજીક ખુલ્લી જગ્યામાં રહેતો હોવાનું બતાવ્યું હતું. મહિલાને વિશ્વાસમાં રાખી ત્યાં તેની સાથે રાત્રી દરમિયાન તેણે પહેરેલા દાગીના, રોકડા રૂપિયા અને મોબાઈલ લઈ લીધા બાદ તેની સાથે ઘટનાને અંજામ આપ્યો હતો. આ ઘટના દરમિયાન આ મહિલાને માર પણ મારવામાં આવ્યો હતો. હરેશ નામના આરોપીએ મહિલા સાથે દુષ્કર્મ આચર્યા બાદ ત્યાંથી જતો રહ્યો હતો. ત્યારે ત્યાં અન્ય એક કચરો વિણનાર શંકર નામનો વ્યક્તિ કે જે મૂળ ઓરિસ્સાનો વતની છે તે પણ આવ્યો અને આ મહિલા સાથે મારપીટ કરી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.
ઉલ્લેખનીય છે કે, બંને વ્યક્તિઓએ મહિલા સાથે બે દિવસ ઘરમાં હાજર હતું. જેને લઈને આ મહિલા અર્ધનગ્ન હાલતમાં ત્યાં પડી હતી. ત્યારે નજીકની સોસાયટીમાં રહેતો એક યુવક ત્યાંથી પસાર થતાં આ સમગ્ર ઘટના જોયા બાદ તેને શંકા જતા તેણે તાત્કાલિક ઉત્રાણ પોલીસને જાણકારી આપી હતી. જોકે પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી આ મામલે ગુનો દાખલ કરી બંને આરોપીઓની અટકાયત કરી તેમની પૂછપરછ શરૂ કરી છે. જોકે પકડાયેલા બંને આરોપીઓના ફોટા પાડી પોલીસે મહિલા પાસે ઓળખ કરાવતા મહિલાએ બંને આરોપીઓને ઓળખી બતાવતા પોલીસે બંને આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ શરૂ કરી હતી.
(10:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
