<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th March 2025

વડોદરાના માંજલપુર ગામમાં 401 વર્ષથી ચાલતી આવતી પરંપરા મુજબ હોલિકા દહન: મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા

શહેરની સૌથી મોટી 40 ફૂટ ઊંચી હોળી પરંપરા મુજબ ઢોલ નગારા સાથે પૂજા અર્ચના કર્યા પછી પ્રગટાવવામાં આવી: ભક્તો દ્ધારા હોળીની પ્રદક્ષિણા કરી ધાણી, ચણા, ખજૂર સહિત નારિયેળ અર્પણ કરી પ્રાર્થના કરી

 

વડોદરા શહેર ઉત્સવ પ્રિય નગરી છે, અહીં દરેક તહેવારની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. આજે અસત્ય પર સત્યના વિજયનો પર્વ એટલે હોળી પર્વ અને હોળી પર્વની સંધ્યાએ શહેરમાં ઠેરઠેર હોલિકા દહન કરવામાં આવ્યું હતું. જેમાં માંજલપુર ગામમાં છેલ્લા 401 વર્ષથી પરંપરાગત હોલિકા દહન કરવામાં આવે છે, જે શહેરની સૌથી મોટી હોળી હોય છે. આ હોલિકા દહનના દર્શન કરવા માંજલપુર સહિત આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા

વડોદરા શહેરના માંજલપુર ગામ ખાતે પરંપરાગત હોળીકા દહન છેલ્લા 401 વર્ષથી કરવામાં આવે છે. આ હોળી વડોદરા શહેરની સૌથી મોટી હોળી છે, જે 40 ફૂટ જેટલી ઊંચી હોય છે.

વર્ષો પેહલા લોકો અહીં લાકડા ભેગા કરીને હોળી કરતા હતા. જે પ્રથા આજે પણ યથાવત છે. હોલિકા દહનમાં આવતા ભક્તો પૂજા અર્ચના કરી જે માનતા રાખે છે, તે પૂરી થતી હોવાની ભક્તોમાં શ્રદ્ધા છે. જેના કારણે માંજલપુર સહિત આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભક્તો અહીં હોલિકા દહનના દર્શન માટે આવતા હોય છે

શહેરની સૌથી મોટી 40 ફૂટ ઊંચી હોળી પરંપરા મુજબ ઢોલ નગારા સાથે પૂજા અર્ચના કર્યા પછી પ્રગટાવવામાં આવી હતી અને ભક્તો દ્ધારા હોળીની પ્રદક્ષિણા કરી ધાણી, ચણા, ખજૂર સહિત નારિયેળ અર્પણ કરી પ્રાર્થના કરવામાં આવી હતી.

એક માન્યતા અનુસાર, હોળીની પ્રદક્ષિણા કરવાથી સમગ્ર વર્ષ દરમિયાન આરોગ્ય સારું રહે છે અને બીમારી દૂર રહે છે. આ સાથે હોળીની જવાળાઓ કેટલી ઉંચી જાય છે અને કઈ દિશા તરફ જાય છે તેના પરથી આવનાર ચોમાસું કેવું રહેશે? તેનો અંદાજ લગાવવામાં પણ આવતો હોય છે.

(12:11 AM IST)