<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th March 2025

ગુજરાતમાં હવે હીટવેવનો રાઉન્ડ પુરો થયો:15 માર્ચથી હવામાનમાં પલટો આવશે: પરેશ ગોસ્વામીની આગાહી

-- મહત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રી ઘટતા હીટવેવમાં આંશિક રાહત મળશે: માર્ચના અંતિમ સપ્તાહમાં હીટવેવનો વધુ એક રાઉન્ડ આવશે

અમદાવાદ :છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીની ઉપર રહેવાના કારણે બપોરના સમયે કુદરતી કર્ફયૂ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. હીટવેવની અસરને જોતા વહીવટી તંત્ર દ્વારા લૂથી બચવા માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. એવામાં જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગામી દિવસોને લઈને મોટી આગાહી કરી છે.

પરેશ ગોસ્વામીના જણાવ્યા મુજબ, 9 થી 13 માર્ચ સુધીનો હીટવેવનો રાઉન્ડ ચાલ્યો છે. આ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં તાપમાન 35 ડિગ્રીથી લઈને 41 ડિગ્રીની વચ્ચે રહ્યું હતુ. જો કે કેટલાક ભાગોમાં પારો 42 ડિગ્રીએ પણ પહોંચ્યો હતો. જો કે આવતીકાલથી હીટવેવનો રાઉન્ડ પુરો થઈ રહ્યો છે. આગામી 2-3 દિવસમાં ધીમે-ધીમે મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સુધીનો ઘટાડો થશે.

એટલે કે, જે ભાગમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી નોંધ્યું હતુ, ત્યાં 37-38 ડિગ્રી, જ્યાં 38 ડિગ્રી હતુ, ત્યાં 35 થી 36 ડિગ્રીની આસપાસ મહત્તમ તાપમાન પહોંચી જશે. આ ઘટેલું તાપમાન આગામી 22 તારીખ સુધી યથાવત રહેશે. જેથી હીટવેવમાં આંશિક રાહત મળવાની છે.

જો પવનની ગતિની વાત કરીએ તો, હીટવેવ દરમિયાન રાજ્યના અલગ-અલગ ભાગોમાં 18 થી 22 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાયા છે. જો કે આવતીકાલથી પવનની ગતિમાં પણ ઘટાડો થશે. આગામી 15 થી 21 માર્ચ દરમિયાન પવનની ગતિ સામાન્ય એટલે કે 10 થી 14 કિમી પ્રતિકલાક થઈ જશે. જે બાદ માર્ચ મહિના અંતિમ સપ્તાહમાં હીટવેવનો વધુ એક રાઉન્ડ આવશે.

આ સાથે જ આગામી 15 માર્ચથી રાજ્યના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ ચાલુ થશે, એટલે કે એક પ્રકારે હવામાનમાં પલટો આવશે. જેમાં રાજ્યના 40 ટકા ભાગમાં વાદળો જોવા મળી શકે છે. જેના પરિણામે તે ભાગોમાં ઉકળાટ અને બફારાનો અહેસાર થશે.

બીજી તરફ હવામાન વિભાગ દ્વારા પણ ઉત્તર-પૂર્વના પવનોના કારણે મહત્તમ તાપમાનમાં સામાન્ય ઘટાડો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જો આજની વાત કરીએ તો, આજે રાજકોટ 41 ડિગ્રી સાથે ગુજરાતનો સૌથી ગરમ જિલ્લો રહ્યો છે. જ્યારે અમરેલીમાં 40.4 ડિગ્રી, પોરબંદરમાં 37.4, અમદાવાદમાં 39.6,ગાંધીનગરમાં 39, વડોદરામાં 39 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે.

(12:14 AM IST)