<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th March 2025

અમદાવાદ ના વસ્ત્રાલ નિરાંત ચોકડી પાસે અસામાજિક તત્વોએ લાકડી તલવાર સાથે તોડફોડ કરી : આખો વિસ્તાર બાનમાં લીધો

વસ્ત્રાલ વિસ્તારમાં બાઇક સવાર અસામાજિક તત્વોએ તોડફોડ અને હિંસા મચાવી: શાશ્વત સોસાયટી પાસે ઘટના બની CCTVમાં કેદ થઈ.

અમદાવાદના વસ્ત્રાલ વિસ્તાર ફરી એકવાર અસામાજિક તત્વોના આતંકનો શિકાર બન્યો છે. તાજેતરમાં બાઈક પર આવેલા અસામાજિક તત્વોએ શાશ્વત સોસાયટી આગળ આતંક મચાવ્યો હતો . લાકડી અને તીક્ષ્ણ હથિયારોથી આ તત્વોએ રસ્તાને બાનમાં લઈ લેતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનામાં બે ગ્રુપ વચ્ચેની અંગત અદાવત મુખ્ય કારણ હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું છે.

આ સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેમાં તોડફોડ અને હિંસાની સ્પષ્ટ ઝલક જોવા મળી રહી છે. તહેવારની તૈયારીઓ ચાલી રહી હોવા છતાં, આ અસામાજિક તત્વોએ આતંક ફેલાવતા પરિસ્થિતિ બેકાબૂ બની ગઈ હતી. કેટલાક શખ્સોએ રસ્તા પર ઉભી કારોમાં તોડફોડ કરી, જેથી સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો.

આ હુમલામાં બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા અને તેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટના સ્થળે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા, જેનાથી પરિસ્થિતિ વધુ તંગ બની હતી.

(12:34 AM IST)