News of Friday, 14th March 2025
અમદાવાદના ઇસ્કોન મંદિરમાં રંગોત્સવના અનેરા પર્વ ધુળેટીની ધામધુમથી ઉજવણીઃ ‘હરે કૃષ્ણ હરે કૃષ્ણ’ની ગુંજની સમગ્ર માહોલ ગુંજી ઉઠ્યો
મંદિર પરિસરને રંગબેરંગી ફૂલોથી સુશોભિત કરાયું છે. ભગવાનને પણ વિદેશ લાવવામાં આવેલ ફૂલોથી શણગાર કરાયો છે. કૃષ્ણ ભગવાન અને રાધાને સુંદર વાઘા પહેરાવવામાં આવ્યા છે.

અમદાવાદઃ અમદાવાદના ઇસ્કોન મંદિરમાં રંગોત્સવના અનેરા પર્વ ધુળેટીની ઉજવણી શરૂ થઈ ગઈ છે. ધુળેટીના પર્વને લઇ વહેલી સવારથી ઇસ્કોન મંદિરમાં દર્શનાર્થીઓ ઉમટ્યા છે. ધુળેટી પર્વને લઈને ઇસ્કોન મંદિરમાં તહેવારની ઉજવણીને લઈને વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. મંદિર પરિસરને રંગબેરંગી ફૂલોથી સુશોભિત કરાયું છે. ભગવાનને પણ વિદેશ લાવવામાં આવેલ ફૂલોથી શણગાર કરાયો છે. કૃષ્ણ ભગવાન અને રાધાને સુંદર વાઘા પહેરાવવામાં આવ્યા છે.
વહેલી સવારથી અમદાવાદના હરે કૃષ્ણ મંદિરની અંદર ભક્તોનો અવિરત પ્રવાહ જોવા મળ્યો. ધુળેટી પર્વમાં રંગોત્સવની ઉજવણી સાથે મંદિર પરિસરમાં ‘હરે કૃષ્ણ હરે કૃષ્ણ’ની ગુંજ જોવા મળી રહી છે. કૃષ્ણ ભક્તો ભગવાનને નિહાળવા વહેલી સવારે ઇસ્કોન મંદિર પંહોચી ગયા હતા. મંદિરમાં વહેલી સવારે મંગળા આરતી કર્યા બાદ પંચગવ્યથી ભગવાન કૃષ્ણનો અભિષેક કરાયો. ભક્તોના અનેરો ભાવ જોઈએ ભગવાન પણ તેમની સાથે રંગની ઉજવણી કરવા આતુર હોય છે. આજના દિવસે ઇસ્કોન મંદિરમાં રંગ ઉજવણી સાથે ભજન,કિર્તન અને નાટકનું વિશેષ કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવે છે.
ધુળેટી પર્વને લઈને સંદેશ ન્યુઝની ટીમ હરે કૃષ્ણ મંદિરની મુલાકાતે છે. સંદેશ ન્યૂઝ સાથે વાતચીત કરતાં એક ભક્તે જણાવ્યું કે તે પોતાના કાનજી સાથે વહેલી સવારે જ મંદિરમાં આવ્યા છે. અને નાના લાલજીને ભગવાન કૃષ્ણના દર્શન કરાવી આનંદની લાગણી થઈ. અન્ય એક કૃષ્ણ ભક્તે કહ્યું કે તેઓ આજે વહેલી સવારે મંદિરે પંહોચ્યા હતા. સવારે ભગવાન કૃષ્ણના દર્શન કરી બહુ સરસ લાગી રહ્યું છે. અલૌકિક આનંદ થવા સાથે ધન્યતા પણ અનુભવું છું. મંદિરમાં કૃષ્ણ ભક્તોની ભક્તિ જોઈ આજે ભગવાન પણ તેમની સાથે રંગોની ઉજવણી કરવા આતુર બન્યા હશે. ભગવાન સાથે ભક્તો પુષ્પ અને રંગોનો હોળી રમશે.
અમદાવાદ ઉપરાતમાં ગુજરાત અને સમગ્ર વિશ્વના ઇસ્કોન મંદિરોમાં હોળી તહેવારની ધામધૂમથી ઉજવણી થાય છે. તમામ ઇસ્કોન મંદિરોમાં મંગળા આરતી કર્યા બાદ શ્રૃંગાર આરતી કે જેમાં ભગવાનને સુંદર નવા વસ્ત્ર પહેરાવવામાં આવે છે, આ સાથે ભગવાન કૃષ્ણ મહામંત્રનો જાપ કરવામાં આવે છે. અને સાંજે પંચગવ્યથી અભિષેક અને પછી પુષ્પોથી અભિષેક કર્યા બાદ ભગવાનને છપ્પન ભોગ ધરાવવામાં આવશે. સંધ્યા આરતી બાદ ભગવાન ચૈતન્ય મહાપ્રભુની લીલાઓનું વર્ણન કરવાને લઈને ભક્તો માટે નાટક રજૂ કરાય છે. ભક્તોના આનંદ માટે મંદિરમાં સાંજે ફૂલડોલ ઉત્સવનું પણ આયોજન કરાયું છે.
(11:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
