<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th March 2025

આગામી ચોમાસુ ૮ થી ૧૦ આની રહેશે, જે સામાન્‍ય કરતા ઓછું ગણી શકાયઃ અંબાલાલ પટેલની આગાહી

૧પ મી માર્ચથી ગરમીમાં થોડી રાહત અનુભવાશે, પરંતુ એપ્રિલમાં લોકોએ અસહય ગરમીનો સામનો કરવા તૈયાર રહેવું પડશે

અમદાવાદઃ જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે હોળીની જ્વાળાનું અવલોકન કરીને આગામી સમય માટે મોટી આગાહીઓ કરી છે. તેમના મતે આવનારું ચોમાસું નબળું રહેવાની શક્યતા છે, જે ખેડૂતો અને સામાન્ય નાગરિકો માટે ચિંતાજનક સમાચાર છે.

અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, "આગામી ચોમાસું 8થી 10 આની રહેશે, જે સામાન્ય કરતાં ઓછું ગણી શકાય. આ ઉપરાંત, તેમણે ગરમી અને રાજકીય સ્થિતિ અંગે પણ મહત્વપૂર્ણ ભવિષ્યવાણીઓ કરી છે."

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, "15મી માર્ચથી ગરમીમાં થોડી રાહત અનુભવાશે, પરંતુ એપ્રિલ મહિનામાં લોકોએ અસહ્ય ગરમીનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે. ગરમીનો પારો ખૂબ ઊંચો જવાની સંભાવના છે."

ચોમાસા વિશે વાત કરતા અંબાલાલ પટેલે જણાવ્યું કે, "જૂન મહિનામાં વાવાઝોડાની શક્યતા રહેલી છે, જે ચોમાસાની શરૂઆતને અસર કરી શકે છે. એટલું જ નહીં, ચોમાસા દરમિયાન વારંવાર લો પ્રેશર ઉદ્ભવશે, જેના કારણે વરસાદની અનિયમિતતા જોવા મળી શકે છે."

હવામાનની આગાહી ઉપરાંત, અંબાલાલ પટેલે રાજકીય ક્ષેત્રે પણ મોટા ફેરફારો થવાની સંભાવના વ્યક્ત કરી છે. તેમના કહેવા પ્રમાણે, "આગામી દિવસોમાં રાજકારણની અંદર પણ હલનચલન જોવા મળશે. હોળીના મુહૂર્ત પ્રમાણે રાજકીય પરિસ્થિતિમાં વળાંક આવશે, જે દેશના રાજકારણમાં નવા સમીકરણો ઊભા કરી શકે છે."

વધુમાં, તેમણે દેશમાં "આસુરી સંપત્તિ" વધવાની વાત પણ કરી હતી, જોકે તેમણે આ બાબતે વધુ સ્પષ્ટતા કરી નથી.

અંબાલાલ પટેલની આ આગાહીઓ ગુજરાત અને દેશના હવામાન અને રાજકારણ પર મોટી અસર પાડી શકે છે. ખેડૂતો અને સામાન્ય જનતાએ આ આગાહીઓને ધ્યાનમાં રાખીને આગામી સમય માટે તૈયારી કરવી જરૂરી છે.

(12:53 PM IST)