<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th March 2025

અમદાવાદમાં હોળીની રાત્રે અસામાજીક તત્‍વોનો આતંકઃ લોકોને માર માર્યોઃ ૧૪ ની ધરપકડ

વસ્‍ત્રાલમાં બનાવઃ બે ગેંગના સભ્‍યો એક બીજાને મારવા નીકળી પડયા હતા, પણ એકબીજાની ગેંગના સભ્‍યોને ન મળતાનિર્દોષ લોકોને મારમાર્યો

અમદાવાદઃ અમદાવાદમાં ગતરાત્રે શહેરીજનો હોલિકા દહન માટે પરિવાર સાથે બહાર નીકળ્યા હતા એ સમયે વસ્ત્રાલમાં બે ગેંગના લોકો હથિયારો સાથે રસ્તા પર ઉતર્યા હતા. પંકજ ભાવસાર અને સંગ્રામ નામના શખ્સની ગેંગના લોકો એકબીજાને મારવા માટે ફરી રહ્યાં હતા એ સમયે એકબીજાની ગેંગના સભ્યો મળી ન આવતા આ અસામાજિક તત્વોએ ત્યાંથી પસાર થઇ રહેલા લોકો પર હુમલો કર્યો હતો અને માર માર્યો હતો. બનાવના પગલે લોકોમાં રોષ જોવા મળ્યો હતો. પોલીસે આ મામલે 14 લોકોની ધરપકડ કરી હોવાના અહેવાલ છે.

બનાવની પ્રાપ્ત વિગત અનુસાર, વસ્ત્રાલમાં મહાદેવનગર આવેલું છે, મહાદેવનગર નજીક લોકો હોલિકા દહન માટે નીકળ્યા હતા. જોકે એ સમયે સંગ્રામ નામના શખ્સ અને પકંજ ભાવસારની ગેંગના લોકો હથિયારો સાથે રસ્તા પર આવી પહોંચ્યા હતા. બન્ને ગેંગ એકબીજાના સભ્યને મારવા માટે ફરી રહ્યાં હતા આ અસામાજિક તત્વો ફરતા ફરતા મહાદેવનગરની નિરાંત ચોકડી તરફ આવ્યું હતું અને પરંતુ એકબીજાની ગેંગના સભ્યો મળ્યા ન હતા. જેથી ઉશ્કેરાયેલા રસ્તા પરથી પસાર થતા નિર્દોષ લોકોને મારવાનું શરૂ કરી દીધું હતું.

અસામાજિક તત્વો દ્વારા ગંદી ગાળો બોલવામાં આવી અને પથ્થરમારો શરૂ કરવામાં આવ્યો હતો. વિસ્તારમાં અચાનક શરૂ થયેલી અફરા-તફરીથી સ્થાનિક લોકો ફફડી ઉઠ્યા હતા. આ અસામાજિક તત્વોએ દુકાનો પર પથ્થરો ફેંકવાનું શરૂ કર્યું હતું. જેમાં બેથી ત્રણ લોકોને ઇજા પહોંચી હોવાનું અને સારવાર અર્થે હોસ્પિટલ ખેસડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. બનાવની જાણ થતાં પોલીસ હરકતમાં આવી હતી. પોલીસ દ્વારા આ મામલે 14 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

(7:42 PM IST)