News of Friday, 14th March 2025
પાવાગઢથી દર્શન કરી પરત ફરતા સુરતના પરિવારને ગમખ્વાર અકસ્માત :પોર નજીક કાર હાઈવેથી નીચે ઉતરી જતાં 3 લોકોના મોત
અકસ્માતગ્રસ્ત કારનો ખુરદો બોલી ગયો, કારમાંથી લોકોને બહાર કાઢવા માટે કરજણ ફાયર વિભાગની મદદ લેવાઈ

વડોદરા શહેર અને જિલ્લામાં હોળી-ધૂળેટીના તહેવારો દરમિયાન પણ અકસ્માતની વણઝાર જોવા મળી રહી છે. ગઈકાલે મોડી રાતે શહેરમાં હિટ એન્ડ રનના બનાવમાં એક મહિલાનું મોત નીપજ્યું હતુ. જે બાદ આજે જિલ્લાના પોર નજીક સુરતના પરિવારની અર્ટીગા કારને ગમખ્વાર અકસ્માત નડ્યો છે. જેમાં 3 લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા છે, જ્યારે 5 ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, મૂળ મહેસાણાના અને વર્ષોથી સુરતના ડિંડોલી વિસ્તારમાં રહેતા પટેલ પરિવારના 8 જેટલા સભ્યો પાવાગઢ ખાતે મહાકાળી માતાજીના દર્શન કરીને સુરત તરફ પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન પોર નજીકથી પસાર થઈ રહેલી તેમની અર્ટીગા કાર (GJ-05-JL-0108) અચાનક હાઈવે પરથી નીચે ઉતરીને ઝાડ સાથે ધડાકાભેર ભટકાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માતમાં ઘટના સ્થળે જ 3 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે, જ્યારે અન્ય 5 ઈજાગ્રસ્ત થતાં તેમને સારવાર અર્થે 108માં સયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
આ અકસ્માતની જાણ થતાં સ્થાનિક પોલીસ અને 108નો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આ અકસ્માત એટલો ભયાનક હતો કે, અર્ટીગા કારનો ખુરદો બોલી ગયો હતો. જ્યારે કારમાંથી લોકોને બહાર કાઢવા માટે કરજણ ફાયર વિભાગની મદદ લેવામાં આવી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતકોની ઓળખ વિનય પટેલ (ઉ.વ. 24, રહે. મહેસાણા), દિપીકા પટેલ (ઉં.વ.28, રહે. ડિંડોલી), હિતેશ પટેલ (ઉં.વ.49, રહે. સુરત) તરીકે થઈ છે. જ્યારે ઈજાગ્રસ્તોની ઓળખ ચિરાગ પટેલ, ધ્રુવ પટેલ, વિનય પટેલ, જગદીશ પટેલ અને નિરજબેન પટેલ તરીકે થઈ છે. જેઓ હાલ સારવાર લઈ રહ્યા છે. હાલ તો પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
(6:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
