News of Friday, 14th March 2025
દેવગઢ બારીયાની પ્રમુખ હોસ્પિટલમાં નર્સનો આપઘાત: શૌચાલયમાં ઓઢણી વડે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
પોલીસે મૃતકનો મોબાઈલ કબજે લેવા સાથે પરિવારના સભ્યોનું નિવેદન નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

દાહોદ જિલ્લાના દેવગઢ બારીયામાં આવેલા સમડી સર્કલ સ્થિત પ્રમુખ હોસ્પિટલમાં ફરજ બજાવતી નર્સ યુવતીએ આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવતા ચકચાર મચી છે. જેમાં નર્સ યુવતીએ મોડી રાતે શૌચાલયમાં જઈને ગળે ફાંસો ખાઈ લીધો હતો.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, દેવગઢ બારીયાના ઉચવણ ગામમાં રહેતી રિન્કુ પટેલ (27) અહીના સમડી સર્કલ વિસ્તારમાં આવેલી પ્રમુખ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી હતી. ગઈકાલે રિન્કુને નાઈટ શિફ્ટ હોવાથી તેનો ભાઈ ઉચવણ ગામેથી તેને હોસ્પિટલ ઉતારીને ગયો હતો.
પ્રમુખ હોસ્પિટલના અન્ય સ્ટાફ સાથે સૂઈ ગયેલી રિન્કુ મોડી રાતે 1 વાગ્યે ઉભી થઈને બાથરૂમમાં ગઈ હતી. જો કે મોડા સુધી તે પરત ના ફરતા અન્ય સ્ટાફ દ્વારા શૌચાલયના તપાસ કરતાં દરવાજો અંદરથી બંધ હતો. જેથી દરવાજો ખખડાવવા છતાં કોઈ જવાબ ના મળતા સ્ટાફના સભ્યએ બારીમાંથી જોતાં રિન્કુએ પોતાની ઓઢણીથી ગળે ફાંસો ખાધેલી હાલતમાં લટકતી હતી. આથી સ્ટાફ દ્વારા તાત્કાલિક શૌચાલયનો દરવાજો તોડીને રિન્કુને નીચે ઉતારીને તપાસ કરતાં તેના શ્વાસ બંધ થઈ ગયા હતા.
બીજી તરફ આ બનાવની જાણ થતાં મૃતકના પરિવારજનો અને પોલીસની ટીમ તાત્કાલિક હોસ્પિટલ દોડી આવ્યા હતા. જ્યાં પોલીસે પંચનામું કરીને મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો હતો. હજુ સુધી રિન્કુએ ક્યાં કારણોસર અંતિમ પગલું ભર્યું, તે જાણી શકાયું નથી. હાલ તો પોલીસે મૃતકનો મોબાઈલ કબજે લેવા સાથે પરિવારના સભ્યોનું નિવેદન નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. (In Pic: ફાઈલ ફોટો)
(8:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
