<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th March 2025

ગુજરાતમાં ધુળેટીના દિવસે વાગતા રહ્યા 108 એમ્બ્યુલન્સના સાયરન :બપોર સુધી 108ને 3,485 ઇમરજન્સી કોલ આવ્યા

ધુળેટીમાં ખાસ કરીને અકસ્માત. મારામારી. પાણીમાં ડૂબી જવાની ઘટના, પડી જવા અને વાગવાની ઘટના તે સિવાય બાકીની અન્ય ઈમરજન્સી નોંધાતી હોય છે

અમદાવાદ : હોળી અને ધુળેટીમાં ખાસ કરીને અકસ્માત થવાની ઘટના, મારામારી થવાની ઘટના, પાણીમાં ડૂબી જવાની ઘટના, પડી જવા અને વાગવાની ઘટના તે સિવાય બાકીની અન્ય ઈમરજન્સી નોંધાતી હોય છે. ત્યારે આવી તમામ ઈમરજન્સીને પહોંચી વળવા માટે 108ની ટીમ કટીબદ્ધ રહી એક્શન મોડમાં કાર્ય કરી રહી છે. લોકો જ્યારે પોતાના સગા સંબંધી અને મિત્રો જોડે હોળી અને ધૂળેટીના પર્વની ઉજવણી કરી રહ્યા છે, ત્યારે આરોગ્યકર્મચારીઓ પોતાના કાર્યસ્થળ ઉપર રહીને જ પોતાની ફરજ બજાવી રહ્યા છે. દેશભરમાં ધામધૂમથી ધૂળેટીના તહેવારની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે ગઇકાલે ગુજરાતમાં 108ને 2030 ઈમરજન્સી કોલ આવ્યા હતા.

   મળતી માહિતી મુજબ રાજ્યમાં ધૂળેટીમાં ઈમર્જન્સી કોલની સંખ્યામાં 30 ટકા વધારો થયો હતો. જેમાં રાજ્યમાં એક જ દિવસમાં કુલ 3,485 કોલ નોંધાયા હતા. ત્યારે સૌથી વધુ માર્ગ અકસ્માતના 715 કોલ મળ્યા હતા. અને હુમલાના 360 અને 209 સામાન્ય ઈજાના કોલ મળ્યા હતા. ત્યારે અમદાવાદમાં સૌથી વધુ 95 માર્ગ અકસ્માતના કોલ આવ્યા હતા. જ્યારે સુરતમાં 93, વડોદરામાં 51, રાજકોટમાં 34 કોલ મળ્યા છે. બીજી તરફ દાહોદમાં 30, ખેડામાં 29, બનાસકાંઠામાં 24 કોલ મળ્યા હતા

13 માર્ચ અને 14 માર્ચના રોજ હોળી-ધૂળેટીના તહેવારને લઇ 108 દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી હતી.ગત વર્ષમાં હોળી-ધૂળેટીના પર્વમાં થયેલા માર્ગ અકસ્માત સહિતના બનાવને ધ્યાનમાં રાખીને રાજ્યમાં 838 એમ્બ્યુલન્સ દોડાવવામાં આવી હતી.

 

(12:44 PM IST)