<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th March 2025

સુરતમાં નશાની હાલતમાં ચાલકે ગેટ સાથે કાર અથડાવીઃ છ વર્ષીય બાળા લોખંડના ગેટ નીચે કચડાઈ

સુરત, તા.૧૫: રાજ્‍યમાં એક તરફ વાહનો બેફામ ચલાવીને નબીરાઓએ કાળો કહેર વર્તાવ્‍યો છે. ત્‍યારે નશાની હાલતમાં વાહનો શહેરની અંદર ચલાવતાં તત્‍વો પણ માસૂમોના જીવ માટે ખતરા સમાન છે. ત્‍યારે સુરતના ગોડાદરા વિસ્‍તારમાં નશાની હાલતમાં ચાલકે સોસાયટીના લોખંડના ગેટ સાથે કાર અથડાવી હતી. જેથી ગેટ પડ્‍યો હતો. જે બાળકી પર પડતાં તે કચડાઈ ગઈ હતી.

ગોડાદરા વિસ્‍તારમાં આવેલા સુડા સહકાર આવાસના ગેટ નજીક બાળકો રમી રહ્યાં હતાં. આ દરમિયાન છ વર્ષની સિકયુરિટી ગાર્ડની દીકરી ગેટ પાસે ઉભી હતી. ત્‍યારે એક નશામાં બેફામ થયેલા ચાલક કાર લઈને પસાર થઈ રહ્યો હતો. જેણે સ્‍ટિયરીંગ પરથી કાબુ ગુમાવી કારને ગેટ સાથે અથડાવી હતી. જેથી લોખંડનો ભારે ભરખમ ગેટ પડી ગયો હતો. જે બાળકી પર પડતાં કચડાઈ ગઈ હતી. આટલું બાકી હોય તેમ આડા પડેલા ગેટ પર પણ ચાલકે કાર ચડાવી દીધી હતી. જેથી બાળકી વધારે કચડાઈ ગઈ હતી.

સુડા સહકાર આવાસમાં સિકયુરિટી તરીકે કામ કરતાં ગાર્ડની દીકરી કચડાઈ ગઈ હતી. જેથી તાત્‍કાલિક લોકોએ એકઠા થઈને ચાલકને ઝડપી લીધો હતો. જે નશામાં હતો. બાદમાં કાર ચાલકને લોકોએ પોલીસને હવાલે કર્યો હતો. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

(3:35 PM IST)