<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th March 2025

ખેડાના સલુણમાં બે જુથ વચ્‍ચે પથ્‍થરમારો : પ લોકોને ઇજા

અમદાવાદ : ખેડા જિલ્લાના નડિયાદના સલુણ ગામે ગઇકાલે શુક્રવારે સાંજે  બે સમાજના ટોળા સામ સામે આવી જતા મામલો બિચકયો હતો. આ ઘટનામાં ૫ લોકો ઘાયલ થયા છે, જ્‍યારે બે લોકોને વધુ ઈજા પહોચતાં તેમને અમદાવાદ સારવાર અર્થે ખસેડાયા છે. જેમાં સલુણ ગામના વિશાલ મકવાણાએ નોધાવેલી ફરિયાદમાં સાંજના સમયે સલુણ બસ સ્‍ટેન્‍ડ પાસે આવેલ સંજય તળપદાની દુકાને પડીકી લેવા ગયો હતો. જેમાં અગાઉના ઝઘડાનું વેર રાખી સંજયે ગાળો બોલી હતી અને જ્ઞાતિ વાચક શબ્‍દો બોલી ૧૫ જેટલા માણસોનો ટોળું ધસી આવ્‍યું હતું.

જ્‍યારે અન્‍ય સામાપક્ષે કરેલી ફરિયાદમાં પ્રવીણભાઈ તળપદાએ લખાવ્‍યું કે તેમના ફોઈના દીકરાની સંજયની દુકાન બસ સ્‍ટેન્‍ડ પાસે આવેલી છે. શુક્રવારે સાંજે એક કારમાં ગામના અમુક લોકો કારનો હોર્ન સતત વગાડી સિગારેટનું પેકેટ માંગતા હતા. પરંતુ દુકાનદાર સંજયની દુકાને ગ્રાહકો વધારે હોય તેમણે આ કાર ચાલક અને અન્‍ય સાગરીતોને દુકાન પર આવી વસ્‍તુ લઈ જવા જણાવ્‍યું હતું. જેથી આક્રોશમાં આવેલા આ કારમાં સવાર લોકોએ સંજય સાથે ગાળાગાળી કરી હતી.

બાદમાં આ કારમાં આવેલા લોકોએ ટોળુ લઈ આવી દુકાનદાર સંજય અને તેમના સંબધી સતિષભાઈ તેમજ વિનોદભાઈને માર માર્યા હતા. છૂટા પથ્‍થરો ફેંકી ઇજા કરી હતી. આ બનાવમા ૩ લોકો ઈજા થઈ હતી.  (૪.૩૨)

(3:36 PM IST)