<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th March 2025

આગામી 100 કલાકમાં રાજ્યભરના અસામાજિક તત્ત્વોની યાદી તૈયાર કરવાનો પોલીસ વડા વિકાસ સહાયનો આદેશ

તમામ પોલીસ કમિશનર, રેન્જ વડા અને પોલીસ અધીક્ષકને આ સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા અને અંગત ધ્યાન આપી જરૂરી કાર્યવાહી કરવા તાકીદ

અમદાવાદ :રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદ્રઢ બનાવવા તેમજ અસામાજિક ગુંડા તત્ત્વો પર કડકમાં કડક કાર્યવાહી કરી તેમની પર સદંતર અંકુશ મેળવવાના ઉદ્દેશ સાથે આજે શનિવારે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે તમામ પોલીસ કમિશનર, રેન્જ વડા અને પોલીસ અધિક્ષક સાથે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી તાકીદની બેઠક યોજી હતી.જેમાં આગામી 100 કલાકની અંદર રાજ્યના પ્રત્યેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અસામાજિક ગુંડા તત્ત્વોની યાદી તૈયાર કરવા કડક સૂચના આપવામાં આવી છે

 

રાજ્યમાં અસામાજિક ગુંડા તત્ત્વો સામે કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવા માટે લેવાયેલા આ નિર્ણયનું તાત્કાલિક અમલીકરણ કરવા આદેશ કરવામાં આવ્યા છે. આ અસામાજિક તત્વોની યાદીમાં કેવા તત્વોનો સમાવેશ કરવો તે અંગે પણ સ્પષ્ટતા કરવામાં આવી છે. વારંવાર શરીર સંબંધી ગુનાઓમાં સંકળાયેલા વ્યક્તિઓ, ખંડણી ઉઘરાવવા, ધાક-ધમકી આપવાના ગુનાઓમાં સંડોવાયેલા વ્યક્તિઓ, મિલકત સામેના ગુનાઓ આચરનારા, પ્રોહિબિશન અને જુગારનો ગેરકાયદેસર ધંધો કરનારા તત્ત્વો, ખનીજ ચોરી જેવા ગુનાઓમાં સંકળાયેલા તથા અન્ય અસામાજીક કૃત્યો દ્વારા જનતામાં ભય ફેલાવનારા તત્ત્વોને આ યાદીમાં સમાવવા આદેશ કરાયા છે.

રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે તમામ પોલીસ કમિશનર, રેન્જ વડા અને પોલીસ અધીક્ષકને આ સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા અને અંગત ધ્યાન આપી જરૂરી કાર્યવાહી કરવા આદેશ આપ્યા છે.

(8:25 PM IST)