<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 16th March 2025

અમદાવાના કુબેરનગર વિસ્તારમાં મંદિરના પરિસરમાં જ પૂજારીએ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી

પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી: મંદિર તોડવા બાબતે ત્રાસ આપવામાં આવી રહ્યો હોવાનો પુત્ર દ્વારા આક્ષેપ

અમદાવાદ: અમદાવાના કુબેરનગર વિસ્તારમાં આવેલા એક મંદિરના પરિસરમાં જ પૂજારીએ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે. બનાવના પગલે પોલીસ પહોંચી હતી. પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મંદિર તોડવા બાબતે ત્રાસ આપવામાં આવી રહ્યો હોવાનો પુત્ર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. પૂજારીની એક સ્યૂસાઇડ નોટ પણ મળી આવી છે. જેને લઇને પણ તપાસ હાથ ધરાઈ છે.

 

બનાવ અંગે પ્રાપ્ત પ્રાથમિક વિગત અનુસાર, અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં સંતોષી માતાજીનું મંદિર આવેલું છે. મદિરના પૂજારી મહેન્દ્રભાઈ મીણેકરે મંદિર પરિસરમાં જ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. પૂજારી પાસેથી એક સ્યૂસાઈડ નોટ મળી આવી છે. તેમાં બિલ્ડરો દ્વારા મંદિર તોડવા બાબતે ત્રાસ આપવામાં આવી રહ્યો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાની પ્રાથમિક વિગતો સાંપડી રહી છે. બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

 

મૃતક પૂજારીના પુત્ર દ્વારા આક્ષેપ કરતા જણાવવામાં આવ્યું છેકે, મંદિર તોડવા બાબતે ધમકી આપવામાં આવી રહી હતી. છેલ્લા ચાર વર્ષથી ધમકી આપવામાં આવી હતી. બિલ્ડિરો અને કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા કહેવામાં આવતું હતું કે, તમારું મંદિર તોડી પાડીશું. તમારે અહીં રહેવું હોય તો રહો. મંદિરની જગ્યા તમે ખાલી કરી દો. મંદિર તમને આપી દઇશું. મંદિરમાં તમે રહો અને તમારી ફરજ નિભાવો. જોકે મારા પિતાનું કહેવું હતું કે અમે તમને મંદિર નહીં તોડવા દઇએ. આ વર્ષો જૂનું મંદિર છે.

 

પૂજારીના પુત્રએ વધુમાં જણાવ્યું હતું કે, આ મંદિર તોડીને અહીં આવાસ યોજના બનાવવામાં આવવાની હતી. ગરીબો માટે જે કરવામાં આવી રહ્યું છે તે સારું છે પણ મંદિર પણ કંઇક વિચારવું જોઇએ. મંદિર માટે પણ સારા પગલા ભરવા જોઇએ. મારા પિતાને સતત ત્રાસ આપવામાં આવી રહ્યો હતો. ગઇકાલે પણ બધાને બોલાવીને કહેવામાં આવ્યું હતું કે, તમારી પાસે એક અઠવાડિયું છે. આ જગ્યા હવે ખાલી કરી દો. અમારી માત્ર એટલી માગ છેકે, મારા પિતાએ મંદિર બચાવવા માટે આ પગલું ભર્યું છે. ત્યારે મંદિર આમનું આમ રહે.

 

એક રહેવાસી દ્વારા જણાવવામાં આવ્યું છેકે, હું નરોડાનો જ રહેવાસી છું. મંદિરની નજીક જ મારું નિવાસ્થાન છે. નરોડાવાસીઓ માટ આ એક આસ્થાનું કેન્દ્ર છે. આ મંદિર 1972 પહેલાનું છે. મૃતક અહીં મહંત હતા અને તેમના પિતાએ પણ અહીં પૂજા અને સેવા આપી હતી. તેમનું સમાધિ સ્થળ પણ અહી હયાત છે. અમે ઇચ્છીએ છીએ કે આ મંદિર યથાવત રહે. આ મંદિર કોઇને નડતરરુપ પણ નથી. બહુ જૂનું મંદિર હોવાથી તેને હટાવવામાં ન આવે તેવી અમારી માગ છે.

(12:19 PM IST)