News of Sunday, 16th March 2025
મંદિરના પૂજારીના આપઘાત મામલે અમદાવાદ મનપાએ કહ્યું - મંદિર તોડવા બાબતે કોઇ નોટિસ કે સૂચના અપાઈ નથી
સંતોષી માતાના મંદિરના પૂજારીએ મંદિર તોડવા બાબતે હેરાન કરવામાં આવતા હોવાના ત્રાસના કારણે આપઘાત કર્યો હોવાનો પુત્ર દ્વારા આક્ષેપ

અમદાવાદના નરોડામાં કુબેરનગર રોડ પર આવેલા સંતોષી માતાના મંદિરના પૂજારીએ મંદિર તોડવા બાબતે હેરાન કરવામાં આવતા હોવાના ત્રાસના કારણે આપઘાત કર્યો હોવાનો પુત્ર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો. પુત્ર દ્વારા જે આક્ષેપ કરાયો હતો તેમાં બિલ્ડરો અને મનપાના અધિકારીઓ હેરાન કરતા હોવાનો આક્ષેપ કરાયો હતો. જે અંગે મહાનગરપાલિકા દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે અને જણાવવામાં આવ્યું છેકે, મંદિર તોડવા બાબતે મનપા દ્વારા કોઇ નોટિસ આપવામાં આવી નથી અને કોઇ સૂચના પણ અપાઈ નથી.
મનપા દ્વારા સ્પષ્ટતા કરતા જણાવાયું છેકે, ઉત્તર ઝોનમાં આવેલ વોર્ડ નંબર 12, નરોડા દક્ષિણ ઝોનમાં આવેલ અમ.મ્યુ.કોર્પો ને ટી.પી. રૂએ સંપ્રાપ્ત થયેલ ફાયનલ પ્લોટ નંબર 715 અને 716 માં સંતોષીનગર નામથી પ્રચલિત વસાહત આવેલ છે. સંતોષીનગરમાં કુલ અંદાજીત 475 રહેણાંક મકાનો અને 22 કોર્મશીયલ દુકાનો આવેલ છે. આ આવાસ યોજનાનું રીડેવલપમેન્ટ થયેથી સદર સંતોષીનગર આવાસ યોજનાના લાભાર્થીઓને 30 ચો.મી. કાર્પેટ એરીયાનું ડ્રોઇંગ રૂમ, એક બેડ રૂમ, ઉભું રસોડું, બાથરૂમ, સંડાસ, વિગેરેના આયોજન મુજબનું આવાસ વિનામુલ્યે ફાળવવામાં આવશે.
વધુમાં વાહનો માટે હોલો પ્લીન્થમાં પેવર બ્લોકનું પાર્કીંગ, આવાસ યોજનાની અંદર આર.સી.સી.ના રોડ, પીવાનું પાણી, ડ્રેનેજ લાઇન, એલ.ઈ.ડી. કોમન લાઇટીંગ, રાંધવા માટે પ્લેટફોર્મ પાસે રાંધણ ગેસ પાઇપ લાઇન, લીફટ, ધાબા ઉપર સોલાર પેનલ, વિગેરે જેવી અન્ય સુવિધાઓ પણ વિનામુલ્યે યોજનાના ભાગ રૂપે પુરી પાડવા માટે જોગવાઇ કરેલ છે. ઉપરોક્ત નોટીફાઈડ કરેલ સ્લમને રીડેવલપમેન્ટ કરવા અંગે પબ્લીક પ્રાઈવેટ પાર્ટનરશીપ પધ્ધતિથી ઓનલાઈન ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી કામગીરી કરવામાં આવી છે.
અમદાવાદ મ્યુનિપિસલ કોર્પોરેશનના હાઉસીંગ અને સ્લમ નેટવર્કીંગ પ્રોજેક્ટ ખાતા દ્વારા 3 જાન્યુઆરી 2025ના રોજ આ કામના વિકાસકારને આપવામાં આવી હતી. મંજુરીના પત્રમાં વિકાસકારની રજુઆતના અનુસંધાને સંતોષીનગરમાં આવેલ આશરે 1251 ચો.મી. એરીયામાં આવેલા પૌરાણિક મંદિરનો સંકુલ આ વિસ્તારમાંના લોકોની ધાર્મિક ભાવનાઓ ધ્યાને રાખી જેમ છે તેમ અને ત્યાં જ રાખવાનું નક્કી કરી 1251 ચો.મી.નો એરીયા કુલ પ્લોટ એરીયામાંથી બાદ કરી બાકી રહેતા પ્લોટમાં જ પ્લાનીંગ કરવાની જાણ કરવામાં આવી હતી. જે મુજબ હાલમાં 1251 ચો.મી.માં આવેલ પૌરાણિક ધાર્મિક પ્રકારના મંદિરના અમલનું કોઈ આયોજન હાથ ધરવામાં આવ્યું નથી.
વધુમાં અ.મ્યુ.કો. તરફથી મંદિર બાબતે સ્લમ પ્રોજેક્ટ અન્વયે કોઇ જ પ્રકારની તોડવાની નોટીસ આપી નથી. તેમજ ક્યારેય કોઈ સુચના પણ આપી નથી. ઉપરાંત આ મંદિરના મહંતની સામે આવેલી સ્યૂસાઇડ નોટમાં પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મંદિર તોડવા બાબતે હેરાનગતિ કરવા અન્વયેનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.
(8:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
