<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th March 2025

વડોદરામાં ગેરેજમાં કાર નીચે કામ કરતા મિકેનિકના ખિસ્સામાં મોબાઈલ ફાટતા ગંભીર રીતે દાઝી ગયો

પેન્ટના ખિસ્સામાં મોબાઈલની બેટરી ફાટી: મિકેનિક નીબુલાલને પગ અને હાથના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી

વડોદરા :સમગ્ર રાજ્ય સહિત વડોદરા શહેરમાં પણ ગરમીના તાપમાનમાં દિવસે અને દિવસે નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. તેવામાં વડોદરાના પશ્ચિમ વિસ્તારમાં મોબાઈલ ફાટતા મિકેનિક ગંભીર રીતે દઝાઈ ગયો હતો. જેને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.

આજે સૌ કોઈને મોબાઇલ વગર ચાલે તેમ નથી. પરંતુ મોબાઇલ પણ ઘણી વખત જીવને જોખમ ઉભું કરી શકે છે. તેવી એક ઘટના સામે આવી છે. એક તરફ ગરમીના તાપમાનમાં પણ વધારો થઈ રહ્યો છે. આકાશમાંથી અગન ગોળા વરસી રહ્યા છે. તેવામાં મોબાઈલનો વધુ પડતો ઉપયોગ મોબાઇલ ગરમ થવાથી ઘણી વખત તેમાં રહેલી બેટરી ફાટી જવાથી જે તે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હોવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. ત્યારે આવો જે કિસ્સો વડોદરા શહેરમાં બન્યો છે.

વડોદરા શહેરના ઉંડેરા રોડ ઉપર ગાયત્રી પેટ્રોલ પંપની બાજુમાં ઓમ સાંઈ કૃપા ગેરેજ આવેલું છે. આ ગેરેજમાં મિકેનિક તરીકે નીંબુલાલ ચૌહાણ ફરજ બજાવે છે, તેમના ગેરેજમાં આવેલી એક કારની રીપેરીંગ કરવા માટે તેઓ કારની નીચે ગયા હતા. આ દરમિયાન તેમણે તેમનો મોબાઈલ ફોન પેન્ટના ખિસ્સામાં મુક્યો હતો. અચાનક આ ફોન ફાટી જતા મોટો અવાજ થતા સાથી મિત્રો દોડી આવ્યા હતા. તપાસ કરતા મોબાઈલની બેટરી ફાટી હોવાનું જણાય આવ્યું હતું. જ્યારે આ ઘટનામાં મિકેનિક નીબુલાલને પગ અને હાથના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેથી તાત્કાલિક તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

(1:04 PM IST)