News of Monday, 17th March 2025
નાંદોદ પુરવઠાની દુકાનદારો સાથે અન્યાય: વ્હાલા દવલાની નીતિથી પાંચેક દુકાનદારોને તુવરદાળ આપી, બીજા વંચિત
પાંચેક દુકાનદારોને આપેલી તુવર દાળ મધ્યાહન ભોજનના કોટામાંથી આપી હોવાનો વાત: દુકાનદારોને અપાતા અનાજના જથ્થામાં મોટી ઘટ આવવાની વારંવાર ફરિયાદ બાદ પણ કોઈ ઉકેલ આવ્યો નથી

(ભરત શાહ દ્વારા )નર્મદા: નર્મદા જિલ્લા પુરવઠા વિભાગ માં અનેક સમસ્યાઓ જોવા મળે છે જેમાં ખાસ કરીને દુકાનદારો મુસીબતમાં મુકાઈ છે અને અવાર નવાર દુકાનદારો અને ગ્રાહકો વચ્ચે તકરાર જોવા મળે છે ત્યારે હાલ ચાલુ મહિનામાં પુરવઠા ગોડાઉન ઉપર હજુ તુવર દાળ આવી નથી છતાં કેટલાક વ્હાલા દુકાનદારોને તુવર દાળનો જથ્થો આપ્યો છે જેમાં જાણવા મળ્યા મુજબ આ તુવર દાળનો જથ્થો મધ્યાહન ભોજનના કોટામાંથી પાંચેક વ્હાલા દુકાનદારોને આપવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે ત્યારે જો આ વાત સાચી હોય તો મધ્યાહન ભોજનના કોટામાંથી દુકાનદારોને કઈ રીતે દાળ આપી... ?
જોકે અમુક દુકાનદારોને આ જથ્થો અપાયા બાદ બાકી દુકાનદારો તુવેરદાળ લેવા ગયા ત્યારે હજુ દાળ આવી નથી તેવો જવાબ મળ્યો, ત્યારે દુકાનદારો એ એમ જણાવ્યું કે અમુક દુકાનદારો ને મધ્યાહન ભોજન માંથી દાળ આપી એમ અમને આપો ત્યારે એવો જવાબ મળ્યો કે મધ્યાહન ની દાળ માં ગેટ પાસ નહીં નીકળે માટે આપી શકાય નહીં, તો પાંચેક દુકાનદારો ને કઈ પદ્ધતિ થી આ તુવર દાળ અપાઈ..? ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારની દુકાનદારો ને પણ ઓછું અનાજ અપાઈ રહ્યું હોવાની બૂમ છે. તો શું ઉપર બેઠેલા જિલ્લાના અધિકારીઓ આ બાબત જાણે છે..? જાણતા હોય તો આ બાબતે કડક પગલા લેવાઈ તે જરૂરી છે.
બીજી બાજુ ગોડાઉન ઉપરથી દુકાનદારોને અપાતા જથ્થા માં પહેલા કરતા પણ હાલ માં વધુ ઘટ આવતા દુકાનદારો ખોટ ખાઈ રહ્યા છે. કેટલાક દુકાનદારો ના જથ્થા માં ઘણો ઓછો જથ્થો નિકળતા ગોડાઉન ઉપર જથ્થો પરત મોકલતા ગોડાઉન સંચાલકો એ યોગ્ય જથ્થો કરી આપી માલ આપવાની ફરજ પડી હતી ત્યારે રાજપીપળાના પુરવઠા ગોડાઉન પર લાંબા સમયથી ચાલતી આવી લાલીયાવાડી બાબતે વિજિલન્સ તપાસ થાય તેવી પણ માંગ ઉઠી છે.
જોકે આ મુદ્દે અમે નાંદોદ પુરવઠાના નાયબ મામલતદાર રુદ્રદત્તસિંહ પરમારનો ટેલિફોનીક સંપર્ક કરી હકીકત જાણવા પ્રયાસ કર્યો પરંતુ તેમણે હું તપાસ કરી જણાવું એમ કહ્યા બાદ કોઈ રિપ્લાય નહીં આવતા ફરી પ્રયાસ કર્યો પરંતુ તેમણે ફોન રીસીવ ના કર્યો. તો શું સમજવું..
(11:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
