News of Tuesday, 18th March 2025
વડોદરા અકસ્માત મામલે મુંબઇના ફૈઝાન અંસારીએ કરી રક્ષિતને ફાંસીની માગ: પીડિતાના પરિવારને 1 કરોડના વળતરની માગણી
બોલિવુડ અભિનેત્રા જ્હાન્વી કપૂર દ્વારા આ અકસ્માતને લઇને સોશિયલ મીડિયા પર આક્રોશ વ્યક્ત કરાયા બાદ હવે મુંબઇના ઇન્ફ્લુએન્સર ફૈઝાન અંસારી દ્વારા વડોદરાના પોલીસ કમિશનરને આવેદનપત્ર આપ્યું

વડોદરામાં બનેલા ચકચારી કારેલીબાગ અકસ્માતના પડઘા છેક મુંબઇ સુધી પડ્યા છે. તાજેતરમાં બોલિવુડ અભિનેત્રા જ્હાન્વી કપૂર દ્વારા પણ આ અકસ્માતને લઇને સોશિયલ મીડિયા પર પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો હવે મુંબઇના ઇન્ફ્લુએન્સર ફૈઝાન અંસારી દ્વારા ગઇકાલે વડોદરાના પોલીસ કમિશનરને આવેદનપત્ર આપવામા આવ્યું છે અને રક્ષિત ચોરસિયાને ફાંસીની સજા થાય તેવી માગ કરી છે. સાથેજ મૃતક મહિલાના પરિવારને 1 કરોડ રૂપિયાનું વળતર ચૂકવવામાં આવે તેવી પણ માગણી કરવામાં આવી છે.
ગઇકાલે વડોદરા આવેલા ઇન્ફ્લુએન્સર ફૈઝાન અંસારીએ મીડિયા સાથે વાતચીત કરી હતી. જેમાં તેણે જણાવ્યું હતું કે, આ ઘટના માત્ર વડોદરા કે ગુજરાત માટે જ નહીં, પરંતુ સમગ્ર દેશ માટે હૃદયદ્રાવક છે. મે પોલીસ કમિશનરને રજૂઆત કરી છેકે રક્ષિત ચોરસિયાને ફાંસીની સજા થવી જોઇએ. ફાંસી સિવાયની કોઈ પણ સજા સ્વીકારવા તૈયાર નથી. આ પ્રકારના નબીરાઓને કડકમાં કડક સજા થવી જોઇએ જેથી ભવિષ્યમાં આ પ્રકારનું કૃત્ય કરવાની કોઇ નબીરો હિંમત ન કરે.
ફૈઝાને વધુમાં જણાવ્યું હતું કે, તેણે વન મોર રાઉન્ડ કહ્યું છે. વન મોર રાઉન્ડ તો હવે તેનો ફાંસીનો થવાનો છે. તેને વડોદરામાં જ અહીં ફાંસી પર ચડાવી દેવો જોઇએ. રક્ષિત ચોરસિયાને ફાંસી થવી જોઇએ. રક્ષિત ચોરસિયાના પિતાએ મૃતક મહિલાના પરિવારને રૂ. 1 કરોડનું વળતર આપવું જોઈએ. અકસ્માતમાં ઘાયલ થયેલા મૃતક મહિલાના પતિને યોગ્ય સારવાર મળવી જોઈએ અને તેમને પણ વળતર મળવું જોઈએ. જે વળતર મળશે તે પીડિતાના પરિવારને ન્યાય અપાવવામાં મદદરૂપ થશે.
ગયા અઠવાડિયાએ હોળી-ધૂળેટીના તહેવાર દરમિયાન રક્ષિત ચોરસિયા અને તેનો મિત્ર કાર લઇને નીકળ્યા હતા. પૂરપાટ ઝડપે જતી કારે 13 માર્ચની રાત્રે કેટલાક વાહનોને અડફેટે લીધા હતા. તેમાં એક મહિલાનું મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ રક્ષિત બુમ બરાડા પાડતો અને વન મોર રાઉન્ડની બૂમો પાડતો જોવા મળ્યો હતો. સ્થાનિકો દ્વારા તેને પકડવામાં આવ્યો હતો અને પોલીસને સોંપવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવ્યા બાદ તેની સાથે જોડાયેલા એક પછી એક ખુલાસા થઇ રહ્યાં છે. અકસ્માત પહેલાના સીસીટીવી પણ સામે આવ્યા છે.
(12:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
