<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th March 2025

બે લાખ રૃપિયા ન આપવા પડે તે માટે હોટલમાં યુવકે યુવતીની હત્યા કરી

ક્રાઇમ બ્રાંચે હત્યારાને આણંદ-સોજીત્રા રોડ પરથી ઝડપ્યોઃબે મહિના પહેલાં જ યુવતીએ બેંક ડેટા એન્ટ્રીનું કામ કરતા પૈસા આવ્યા હતા

અમદાવાદ,તા.૧૮

રામોલ વિસ્તારમાં રહેતી યુવતીને યુવકે એક ખાનગી બેંકની ડેટા એન્ટ્રીનું કામ સોંપ્યું હતું. જે કામ પેટે યુવતીને ત્રણ લાખ રૃપિયા આવ્યા હતા. જોકે, યુવકે એક લાખ આપ્યા હતા અને બે લાખ માટે ગલ્લાંતલ્લાં કરતો હતો. જેથી તેમના વચ્ચે ઝઘડો થયો હતો. આ દરમિયાન પૈસા પરત ન આપવા પડે તે માટે યુવકે યુવતીને હોટલમાં બોલાવી તેની હત્યા કરી હતી. આ મામલે એરપોર્ટ પોલીસે ફરિયાદ નોંધી તપાસ આદરી છે. રામોલની નસરીનબાનુ પરિવાર સાથે રહેતી હતી અને છેલ્લા એકાદ મહિનાથી એરપોર્ટ ખાતે નોકરી કરતી હતી. નસરીન અગાઉ ICICI બેંકની ઠક્કરનગર બ્રાંચ ખાતે કામ કરતી હતી ત્યારે ચિંતન ઘનશ્યામભાઇ વાઘેલા નસરીનને કોટક મહિન્દ્રા બેંકનું લોન ડેટા એન્ટ્રીનું કામ કમિશનથી આપતો હતો. બે મહિના પહેલાં નસરીને કોટક મહિન્દ્રા બેંકના કરેલા કામના ત્રણ લાખ રૃપિયા આવ્યા હતા. જે પૈસામાંથી એક લાખ ચિંતન વાઘેલાએ આપ્યા હતા જ્યારે બે લાખ તેની પાસે રાખ્યા હતા. ચિંતન પૈસા આપવામાં ગલ્લાં તલ્લાં કરતો હતો. જેથી વારંવાર નસરીન ચિંતનને પૈસા માટે ફોન કરતી હતી અને તેમની વચ્ચે ઝઘડો પણ થયો હતો. ગઇકાલે ચિંતને નસરીનને એરપોર્ટ પાસે આવેલી હોટલમાં મળવા બોલાવી હતી. ચિંતને હોટલમાં નસરીનને ગળે ટૂંપો આપી હત્યા કરી હતી અને ત્યાંથી પલાયન થઇ ગયો હતો. થોડી વાર બાદ મેનેજર નસરીનના રૃમમાં પહોંચ્યો ત્યારે નસરીનની લાશ જોતા મેનેજરે તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૃમમાં ફોન કરતા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. આ મામલે નસરીનના પિતા સહિત સગાને જાણ કરતા તેઓ પણ ત્યાં પહોંચ્યા હતા. આ મામલે નસરીનના ભાઇ સુફિયાન ફિરોજ અખ્તર અન્સારીએ ચિંતન સામે હત્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ આદરી છે.હત્યાની જાણ થતાં સ્થાનિક પોલીસ ઉપરાંત ક્રાઇમ બ્રાંચની ટીમ પણ કામે લાગી ગઇ હતી. ક્રાઇમ બ્રાંચના ઇન્સ્પેક્ટર ઢોલાની ટીમને બાતમી મળી હતી કે હત્યારો ચિંતન  ઘનશ્યામભાઇ વાઘેલા (ઉ.વ. ૩૧ રહે. બાપુનગર) હાલ આણંદ-સોજીત્રા રોડ પરથી પસાર થઇ રહ્યો છે. તેને તરત જ પોલીસે ઝડપી લીધો હતો. પ્રાથમિક પૂછપરછમાં ચિંતને કબૂલાત કરી હતી. તેને યુવતી સાથે પ્રેમસંબંધ હતો અને ચિંતને તેની પાસેથી ૫૦ હજાર રૃપિયા લીધા હતા. જેની યુવતીએ ઉઘરાણી કરતાં ઉશ્કેરાઇ ગયેલા ચિંતને તેને ફાંસો આપી હત્યા કરી દીધી હતી.

(7:27 PM IST)