<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th March 2025

વીજ બચત માટેના અસરકારક પ્રયત્નોથી રાજભવનમાં વીજ વપરાશમાં 25,838 યુનિટનો ઘટાડો

રાજભવન પરિસરમાં દરરોજ 40 મિનિટના વ્યર્થ વીજ વપરાશની બચત : અધિકારીઓ - કર્મચારીઓ પોતાના રૂમમાંથી બે મિનિટ માટે પણ બહાર નીકળે તો તમામ વીજ ઉપકરણો બંધ કરીને પછી જ નીકળે છે.

ગાંધીનગર :રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના નિયમિત માર્ગદર્શન અને વીજ બચત માટેના અસરકારક પ્રયત્નોથી રાજભવનમાં ગત વર્ષોની સરખામણીએ વીજ વપરાશમાં 25,838 યુનિટનો ઘટાડો થયો છે. એટલું જ નહીં, સોલાર ઉર્જાનો વપરાશ વધારવાના રાજ્યપાલના અનુરોધને પગલે રાજભવનમાં વીજ વપરાશમાં 43% વીજળી સૂર્ય ઉર્જાથી ઉત્પન્ન વીજળી વપરાય છે. આગામી વર્ષમાં રાજભવનમાં જરૂરિયાતની 58% વીજળી સૂર્ય ઉર્જાથી ઉત્પન્ન કરી શકાય તેવું આયોજન છે. હાલમાં રાજભવનની 181 કિલોવૉટ સોલાર જનરેશન ક્ષમતા છે. વધુ 6,600 ચોરસ ફુટ ક્ષેત્રમાં સોલાર પેનલ્સ લગાડવાનું આયોજન છે.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની સુચના અને સતત માર્ગદર્શનથી રાજભવનના વિશાળ પરિસરમાં અત્યારે દરરોજ સૂર્યોદયથી 20 મિનિટ પહેલાં લાઇટ્સ ઑફ કરી દેવાય છે અને સૂર્યાસ્તની 20 મિનિટ પછી જ લાઈટ્સ ઑન થાય છે. આમ રાજભવનમાં દરરોજ 40 મિનિટનો વ્યર્થ વીજ વપરાશ અટકાવીને વીજળીની બચત કરવામાં આવી રહી છે. એટલું જ નહીં, રાજભવનના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ પોતાના રૂમમાંથી બે મિનિટ માટે પણ બહાર નીકળે તો તમામ વીજ ઉપકરણો બંધ કરીને પછી જ નીકળે છે. વીજળીના કરકસરયુક્ત વપરાશની અને વીજ બચતની આ આદત દરેક વ્યક્તિને પોતાના ઘર-પરિવારમાં પણ અત્યંત ઉપયોગી અને લાભદાયી થાય છે

(7:43 PM IST)