News of Tuesday, 18th March 2025
જીલ્લામાં અવાર-નવાર ગુનાઓ કરવાની ટેવવાળા શખ્શો ઉપર કાર્યવાહી કરતી નર્મદા જીલ્લા પોલીસ
પાસા/ તડીપાર થયેલ ઇસમો કુલ-૪૦ તથા અન્ય જોખમી ઇસમો કુલ-૫૦ એમ કુલ-૯૦ ઇસમોને જરૂરી કડક નિર્દેશ અપાયા :રાજપીપલા જીલ્લા જેલ ખાતે સરપ્રાઇઝ વિઝીટ કરી જેલમાંથી તાજેતરમાં જામીન ઉપર મુક્ત થયેલ આરોપીઓની યાદી મેળવી આ આરોપીઓ ઉપર વોચ રાખવાની કાર્યવાહી હાથ ધરાઇ

(ભરત શાહ દ્વારા ) નર્મદા :ગૃહમંત્રી દ્વારા અવાર-નવાર ગુનાઓ કરનાર શખ્શોની પ્રવૃતિને ડામવા સારૂ દિશા નિર્દેશ કરતા ગુજરાત રાજ્યના ડી.જી.પી.તથા સંદીપ સિંહ, પોલીસ મહાનિરીક્ષક, વડોદરા વિભાગ, વડોદરા તથા પ્રશાંત સુંબે, પોલીસ અધિક્ષક, નર્મદા નાઓએ જીલ્લાના વારંવાર શરીર સંબંધી ગુનાઓમાં સંકળાયેલા વ્યક્તિઓ, ખંડણી ઉઘરાવવા, ધાક-ધમકી આપવાના ગુનાઓમાં સંડોવાયેલા શખ્શો . મિલકત સામેના ગુનાઓ આચરનારા, પ્રોહિબિશન અને જુગારનો ગેરકાયદેસર ધંધો કરનારા તત્વો, ખનીજ ચોરી જેવા ગુનાઓમાં સંકળાયેલા તથા અન્ય ગુનેગારો પોતાના ગુનાહીત કૃત્યો દ્વારા જનતામાં ભય ફેલાવનારા તત્વોને કાયદાનું ભાન કરાવવા કડક સુચનો ના પગલે જીલ્લા પોલીસ દ્વારા આવા ગુનેગારોની પ્રવૃતિ ડામવા સારૂ યાદી તૈયાર કરવામાં આવેલ છે. અને આવા ગુનેગાર શખ્શો જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતીને નુકશાન ન પહોંચાડે અને તેમના મન માં અને સ્થિતીમાં કાયદાનો ડર રહે તે સારૂ આ તમામ ગુનેગારોને નર્મદા પોલીસ દ્વારા કડક સુચના આપવામાં આવેલ છે. તેમજ જીલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશન વાઇઝ તથા શાખા વાઇઝ ટીમો બનાવી અગાઉના શરીર સબંધી/મિલ્કત સબંધી ગુનાઓમાં પકડાયેલ ઇસમોને રૂબરૂ બોલાવી તેમની હાલની પ્રવૃતિ / ધંધો તથા તેમના સાગરીતો વિશે પુછપરછ કરવામાં આવેલ તેમજ ફરીથી કોઇ સુલેહ શાંતિનો ભંગ ન કરે તે સારૂ પાસા/ તડીપાર થયેલ ઇસમો કુલ-૪૦ તથા અન્ય જોખમી ઇસમો કુલ-૫૦ એમ કુલ-૯૦ ઇસમોને જરૂરી કડક નિર્દેશ આપવામાં આવેલ અને બીજા કોઇ ગુનાહીત કૃત્ય ન કરે તે માટે જરૂરી કડક સુચના આપવામાં આવેલ છે. આવા ગુનાહીત માનસ ધરાવતા ઇસમોને પોલીસ સ્ટેશને બોલાવી નર્મદા પોલીસ દ્વારા કાયદામાં રહેવા બાબતે કડક સુચના કરતા તેમનામાં તેમજ તેમના સાગરીતોમાં ભયનો માહોલ સર્જાયેલ છે જે કાયદો અને વ્યવથાની પરિસ્થિતી જાળવી રાખવા જરૂરી છે. તેમછતાં જીલ્લામાં અવાર-નવાર ગુનાઓ આચરતા હોય તેવા ઉપર ડી.જી.પી. દ્વારા કાર્યરત મેન્ટર પ્રોજેક્ટ અંતર્ગત તમામ આરોપીઓને સર્વેલન્સ હેઠળ મુકવામાં આવેલ છે. અને આ ગુનેગારોની પ્રવૃતિ ઉપર સતત પોલીસ દ્વારા નજર પણ રાખવામાં આવેલ છે. જેથી આવા ગુનેગારો જીલ્લા માં શાંતી ડહોળવાનો પ્રયત્ન કરે તો તેમને કાયદાનો કડક પાઠ ભણાવી શકાય.
વધુમાં આ અનુસંધાને નર્મદા પોલીસ દ્વારા જીલ્લાની રાજપીપલા જીલ્લા જેલ ખાતે સરપ્રાઇઝ વિઝીટ કરવામાં આવી અને જેલમાંથી તાજેતરમાં જામીન ઉપર મુક્ત થયેલ આરોપીઓની યાદી મેળવી તેવા આરોપીઓ ઉપર વોચ રાખવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી. અને જીલ્લાના નાગરીક ભયમુક્ત વાતાવરણમાં રહે તે હેતુથી નર્મદા પોલીસ આવા ઇસમોની પ્રવૃતિ ડામવા સારૂ સતત તત્પર છે.
(10:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
