<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th March 2025

અમદાવાદના વેપારીને મુંબઈની બાર ડાન્સરે હનીટ્રેપમાં ફસાવ્યો : મદદના નામે લાખો રૂપિયા પડાવ્યા બાદ ધમકી આપીને ખંખેર્યો

લગ્ન કરવા દબાણ કરી વેપારીની મરજી વિરૂદ્ધ મંદિરમાં ફૂલહાર કર્યા: વેપારીને વીડિયો મોકલી બ્લેકમેલ 73 લાખ રૂપિયા પડાવ્યા અને અંતે સમાધાનનાં નામે મળવા બોલાવી મોટી રકમ માંગી

અમદાવાદ: શહેરનાં વેપારીને મુંબઈની બાર ડાન્સરે હનીટ્રેપમાં ફસાવી પૈસા પડાવવામાં આવતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. મુંબઈમાં બારમાં મળેલી યુવતીએ વેપારી સાથે પહેલા મિત્રતા કરી ને બાદમાં સલુનનાં ધંધામાં મદદનાં નામે 10 લાખ રૂપિયા પડાવ્યા હતા. યુવતીએ વેપારીને આપઘાત કરવાની અને પોલીસ કેસની ધમકીઓ આપી બળજબરી પૈસા પડાવવાનું શરૂ કર્યું. બાદમાં લગ્ન કરવા દબાણ કરી વેપારીની મરજી વિરૂદ્ધ મંદિરમાં ફૂલહાર કર્યા હતા. વેપારીને વીડિયો મોકલી બ્લેકમેલ 73 લાખ રૂપિયા પડાવ્યા અને અંતે સમાધાનનાં નામે મળવા બોલાવી મોટી રકમ માંગી હતી. અંતે વેપારીએ સાબરમતી પોલીસ મથકે મેઘના (નામ બદલેલ છે)  નામની યુવતી સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. 

  

અમદાવાદ શહેરના હેબતપુરમાં રહેતા અને પ્રહલાદનગર ખાતે સિરામિક રો મટીરીયલ્સને લગતો વેપાર કરતા મહેશ (નામ બદલેલ છે) વેપારીએ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે. તેઓને વેપાર માટે ભારતમાં અલગ અલગ રાજ્યો અને શહેરોમાં આવવા જવાનું થતું હોય તેવામાં અવારનવાર મુંબઈ ખાતે જતા હતા અને રાત્રી રોકાણ કરતા હતા. તેઓ મિત્રો સાથે મુંબઈ ખાતે આવેલા બેયવોચ નામના બારમાં ગયા હતા, તે વખતે બારમાં ડાન્સર તરીકે કામ કરતી મેઘના સાથે 19 સપ્ટેમ્બર 2022 ના રોજ પ્રથમ મુલાકાત થઈ હતી. જે વખતે વેપારી અને યુવતી વચ્ચે મોબાઈલ નંબરની આપ લે થઈ હતી, ત્યારબાદ બંને અવારનવાર ફોન ઉપર અને વ્હોટ્સએપ પર વાતચીત કરતા હતા. વેપારી મિત્રો સાથે મુંબઈ જતા હતા ત્યારે મિત્રો સાથે હોટલમાં રોકાતા હતા અને મેઘના  અને તેની બાર ડાન્સરો સાથે આવતી હતી અને જેના કારણે બંને વચ્ચે સારી મિત્રતા થઈ હતી. 

 

12 જાન્યુઆરી 2024 ના રોજ વેપારી તેઓના મિત્રો સાથે બારમાં ગયા હતા, તે દિવસે મેઘના  રાત્રીના સમયે તેના બારમાંથી વેપારી જે હોટલમાં રોકાયા હતા, ત્યાં ડાન્સરો સાથે આવી હતી અને વેપારી યુવતી સાથે એ જ રૂમમાં રોકાઈ હતી. જે સમયે બંને વચ્ચે મરજીથી શારીરિક સંબંધ બંધાયા હતા અને મેઘના એ વેપારીના તેની સાથેના અંગત પળોનાં ફોટા પોતાના ફોનમાં પાડી લીધા હતા. ત્યારબાદ મેઘના  વેપારીને અવારનવાર મળવાનું કહેતી હતી અને મળવાનું વેપારી ના પાડે તો સુસાઇડ કરી ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકીઓ આપવા લાગી હતી, જેના કારણે કંટાળીને વેપારીએ તેનો નંબર બ્લોક કરી દીધો હતો.

 

જે બાદ 30 માર્ચ 2024 ના રોજ વેપારીના ફોન ઉપર અજાણ્યા નંબરથી વ્હોટ્સએપ પર હાથની નસો કાપેલો વીડિયો આવ્યો હતો, જેથી વેપારી ડરી જતા તેને ફોન કરી સમજાવતા મેઘના એ મળવા માટે મુંબઈ આવી જા નહિતર, હું સુસાઇડ કરી લઈશ અને તને પોલીસ કેસમાં ફસાવી દઈશ તેવી ધમકી આપી હતી. જેના કારણે વેપારી ડરી જતા મુંબઈ ગયા હતા અને જ્યાં બંને મળ્યા હતા. તે સમયે મેઘના એ વેપારીને જણાવ્યું હતું કે વર્ષ 2006 માં તેનાં લગ્ન થા હતા અને લગ્નગાળા દરમિયાન સંતાનમાં 17 વર્ષનો દીકરો અને 15 વર્ષની દીકરી છે. પતિ સાથે મનમેળ ન રહેતા 12 વર્ષ પહેલાં છૂટાછેડા લીધા અને તેનો દીકરો પબમાં જતો આવતો હોવાથી તેને દારૂ તેમજ અન્ય નશીલા પદાર્થ પીવાની આદત પડી ગઈ હોય અને પોતાને પણ દેહવેપારના ધંધાથી દૂર થવું હોય મેકઅપ સલૂનના ધંધામાં સેટ થવાની વાત કરી હતી. પોતાના ધંધામાં આર્થિક રીતે મદદ થવાની સાથે વેપારીને પોતાની સાથે લગ્ન વિધિ કરવા દબાણ કર્યું હતું અને જો લગ્ન નહીં કરે તો પોતે મરી જશે તેવી ધમકી આપતા વેપારી ડરી જતા તેની સાથે લગ્ન કરવાની તૈયારી દર્શાવી હતી. 

 

વેપારીએ મેઘનાને વેપાર શરૂ કરવા માટે 10 લાખ રૂપિયા મિત્ર મારફતે ટ્રાન્સફર કરાવ્યા હતા અને તે બાદ મેઘના અવારનવાર વેપારીને લગ્ન માટે દબાણ કરતી હતી, જેથી 19 એપ્રિલ 2024 ના રોજ વેપારીની મરજી ન હોવા છતાં મુંબઈ ખાતેના મંદિરમાં બન્નેએ ફુલહાર કર્યા હતા. જે બાદ અવારનવાર મેઘના વેપારીને અમદાવાદ ખાતે શિફ્ટ થવા માટે દબાણ કરતી હતી અને વેપારી ના પાડતા તેને સુસાઇડ કરવાની ધમકીઓ આપી હતી. વેપારી ડરી જતા તેઓએ બોડકદેવ વિસ્તારમાં મકાન ભાડેથી શોધી આપ્યું હતું અને મેઘના  તેના બે બાળકો સાથે 9 જુન 2024 થી અમદાવાદમાં રહેવા આવી હતી. ત્યારબાદ મેઘના  અવારનવાર વેપારીને બ્લેકમેલ કરી તેની પાસેથી પૈસાની માંગણી કરતી હતી જેથી વેપારી દર મહિને ચારથી પાંચ લાખ રૂપિયા રોકડા તેમજ બે થી ત્રણ લાખ રૂપિયા ઓનલાઈન ખાતામાં ટ્રાન્સફર કરતા હતા.

મેઘના ને વધુ પૈસાની લાલચ જાગતા તેણે વેપારી પાસે વધુ પૈસાની માંગણી કરી હતી અને વેપારી ના પાડતા દવા પીને પોલીસ કેસમાં ખોટી રીતે ફસાવી દેવાની ધમકીઓ આપવા લાગી હતી. જેથી વેપારી ડરી જતા તેને પૈસા આપવાનું ચાલુ રાખ્યું હતું. જો કે અમુક સમયે મેઘના  દવાની ગોળીઓ તેમજ તેની હાથની નસો કાપેલી હોય તેવા ફોટા અને વીડિયો વેપારીને મોકલી બ્લેકમેલ કરી તેની પાસેથી બળજબરીપૂર્વક પૈસા કઢાવવાનું શરૂ કર્યું હતું અને આ રીતે ખોટી ખોટી ધમકીઓ આપી વેપારીના તેમજ અન્ય મિત્રોના બેન્ક ખાતામાંથી 43 લાખ રૂપિયા ઓનલાઈન અને 30 લાખ રોકડા એમ કુલ મળીને 73 લાખ પડાવી લીધા હતા. 

  જોકે બાદમાં પણ તેણે પૈસાની માંગણી ચાલુ રાખી હતી. વેપારી તેઓના પરિવાર સાથે બહાર ફરવા ગયા ત્યારે જેની જાણ જ્યોતી લાંબાને જાણ થતા તેણે બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું. વેપારીનું પોતાની સાથેનું નામનું સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવીને તેના ઉપર વેપારી અને પોતાના અંગત પળોના ફોટા મૂકી પરિવારના સભ્યો અને તેના મિત્રોને રિક્વેસ્ટ મોકલી વાયરલ કરી વેપારીને બદનામ કર્યો હતો. વેપારીએ આ બાબતે મેઘના ને કહેતા તેણે ઉશ્કેરાઈને વેપારીને પોતાની સાથે જ રહેવાનું છે અને તેને બીજા જોડે હરવા ફરવા અને રહેવા નહીં દઉં અને પોતે કહે તેમ જ વેપારીને કરવું પડશે અને એમ નહીં કરે તો તેને હેરાન કરી દઈશ તે પ્રકારની ધમકી આપી હતી. મેઘના એ અગાઉ  આ રીતે બે થી ત્રણ વખત તેની હાથની નસો કાપેલાના તેમજ દવાની ગોળીઓનો ઓડિયો વીડિયો બનાવી વેપારીને મોકલ્યો હોય અગાઉ મોટી રકમ પડાવી લીધી હોય વેપારી ખૂબ જ ડરી ગયા હતા

અંતે વેપારીએ આ બાબતને લઈને પોતાના પરિવારના સભ્યોને અને મિત્રોને જાણ કરતા તેઓએ મેઘના  સાથે મિટિંગની વાતચીત કરવાનું નક્કી કર્યું હતું અને મેઘના ના પરિવારના સભ્યો તેમાં તેના મિત્રો સાથે 6 ફેબ્રુઆરી 2025 ના રોજ વૈષ્ણોદેવી સર્કલ ત્રાગડ ખાતે આવેલી ધ બર્ન યાર્ડ કેફે ખાતે મીટીંગ કરી હતી. તે દરમિયાન મેઘના  સાથે તેના સગા સંબંધીઓ પણ આવ્યા હતા અને સમાધાન પેટે વેપારી પાસેથી મોટી રકમની માંગણી કરતા વેપારીએ તેની માંગ ન સ્વીકારતા મેઘના એ ઉશ્કેરાઈને વેપારી પાસે પૈસા પડાવવા ખોટી લગ્નની વિધિનું નાટક કર્યું છે અને તેના કયા મુજબ વેપારી નહીં કરે તો જીવવું હરામ કરી નાખીશ અને તને અને તારા પરિવારને જાનથી મારી નાખીશ તે પ્રકારની ધમકીઓ આપી જતી રહી હતી. જેથી આ મામલે લેખિત અરજી કરવામાં આવી હતી અને અંતે સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. સાબરમતી પોલીસે આ મામલે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે. 

(7:47 PM IST)