<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th March 2025

પુલની સ્‍થિતિ પર સ્‍થાનિકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે અને સરકારી વિભાગ અને કોન્‍ટ્રાકટરની મિલીભગત હોવાનો આક્ષેપ

બિહારમાં તંત્રની ‘બેદરકારી'નો ગજબનો નમૂનોઃ ખેતરોની વચ્‍ચે પુલ બનાવ્‍યો

પટણા, તા.૨૪: બિહાર રાજ્‍ય આમ તો કોઇને કોઇ બાબતે સતત ચર્ચામાં રહેતું હોય છે. વિકાસલક્ષી કામકાજની સ્‍થિતિ, ભ્રષ્ટાચાર સહિતની બાબતોથી તે સમાચારની હેડલાઇન બનતું રહે છે. ગયા વર્ષે બિહારમાં પુલ તૂટી પડવાના કિસ્‍સાઓ સતત પ્રકાશમાં આવ્‍યા હતા. જ્‍યારે હવે ફરી એક એવી ઘટના સામે આવી છે કે તેના વિશે જાણ્‍યા બાદ તમારા પગ નીચેથી જમીન ખસી જશે.

બિહારના શિવહરમાંથી મળી આવેલી એક તસવીર ચોંકાવનારી તો છે જ પણ સાથે જ અનેક પ્રશ્‍નો પેદા કરે છે, જેમાં ખેતરોની વચ્‍ચે અહીં એક પુલ બનાવાયો છે, પરંતુ તેને જોડવા માટે કોઈ રસ્‍તો બનાવવામાં આવ્‍યો નથી.

આ દૃશ્‍ય જોઈને એવું લાગે છે કે જાણે હવે પુલની ખેતી પણ શરૂ થઈ ગઈ હોય. આ પુલની સ્‍થિતિ પર સ્‍થાનિકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે અને સરકારી વિભાગ અને કોન્‍ટ્રાકટરની મિલીભગત હોવાનો આક્ષેપ કરી રહ્યા છે.

હકીકતે શિવહર જિલ્લાના બેલવા-નરકટિયા ગામથી દેવપુર સુધી બાંધવામાં આવનાર રાજ્‍ય ધોરીમાર્ગ-૫૪ પ્રોજેક્‍ટનું કામ અધૂરું છે. આ પ્રોજેક્‍ટ હેઠળ ઘણા પુલ બનાવવામાં આવ્‍યા છે, પરંતુ તેમને જોડતા રસ્‍તાઓ હજુ સુધી બનાવવામાં આવ્‍યા નથી.

પરિણામ એ આવ્‍યું છે કે આ પુલ હવે કઈ જ કામના નથી રહ્યા કારણ કે ત્‍યાં પહોંચવાનો કોઈ રસ્‍તો નથી. પુલની તસવીર જોતાં એવું લાગે છે કે તુવેર અને અળસીના પાક ઉપરાંત, વિસ્‍તારના ખેતરોમાં પુલની ખેતી પણ શરૂ થઈ ગઈ છે.

પુલની કામગીરી અંગે જિલ્લા વહીવટી તંત્રએ કહ્યું હતું કે આ પુલ રાજ્‍ય ધોરીમાર્ગ પ્રોજેક્‍ટનો એક ભાગ છે, જે ઘણા વર્ષોથી પેન્‍ડિંગ છે. તેમણે કહ્યું કે મુખ્‍યા મથક તરફથી જમીન સંપાદન અને બાંધકામ અંગે માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે અને તેના પર કામ ટૂંક સમયમાં શરૂ થશે.

(4:19 PM IST)