<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th March 2025

એસ્મા લાગુ છતાં આરોગ્ય કર્મચારીઓની હડતાળ યથાવત: મોટી સંખ્યામાં કર્મચારીઓ ગાંધીનગરમાં વિરોધમાં જોડાયા

33 જિલ્લાના કર્મચારીઓને સોમવારથી ગાંધીનગરથી અડિંગો જમાવવા અને વિરોધ પ્રદર્શન જારી રાખવા આહવાન

ગાંધીનગર :રાજ્ય સરકારે એસ્મા લાગુ કર્યો હોવા છતાં આરોગ્ય કર્મચારીઓની હડતાળ યથાવત રહી છે. આરોગ્ય કર્મચારી સંઘે એલાન કર્યું છે કે, 33 જિલ્લાના કર્મચારીઓ સોમવારથી ગાંધીનગરથી અડિંગો જમાવવા અને વિરોધ પ્રદર્શન જારી રાખવા આહવાન કરતા આજે પણ મોટી સંખ્યામાં આરોગ્ય કર્મચારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. પંચાયત સેવાના હેલ્થ વર્કર સહિતના 25 હજાર જેટલા કર્મચારીઓ અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા છે. ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘે લડતને વધુ ઉગ્ર બનાવવાની ચીમકી આપી છે.

આજે 24મી માર્ચે સરકારના પ્રતિનિધિઓ અને હડતાળ પર ઉતરેલા કર્મચારીઓ વચ્ચે બેઠક યોજાય તેવી શક્યતા સેવાઈ રહી છે. જોકે, સરકારે એસ્મા લાગુ કર્યો હોવા છતાં હડતાળ પર કોઈ અસર થઈ નથી. આરોગ્ય કર્મચારીઓએ ગ્રેડ પેમાં સુધારો કરવા, ટેકનિકલ ગ્રેડપેનો સમાવેશ કરવો, ખાતાકીય પરીક્ષામાંથી મુક્તિ આપવી અને ટેકનિકલ કેડરમાં સમાવેશ કરવા માંગ સાથે અચોક્કસ મુદતની હડતાળ પાડી છે. હડતાળને એક સપ્તાહ થવા આવ્યું છે ત્યારે આરોગ્ય વિભાગે આંદોલનકારી કર્મચારીઓને આખરી અલ્ટીમેટમ આપ્યું છે. પાંચ વર્ષથી વધુ સમયથી નોકરી કરતાં કર્મચારીઓને સર્વિસ બ્રેકની ચીમકી અપાઈ છે.

 

કર્મચારી મહાસંઘે એલાન કર્યું છે કે, 33 જિલ્લાના પંચાયત સેવાના હેલ્થ વર્કર સહિત ચાર કેડરના કર્મચારીઓએ હવેથી રોજ સત્યાગ્રહ છાવણી ખાતે ઉપસ્થિત રહેવાનું છે. એટલું જ નહીં, જે કર્મચારીઓ હજુ સુધી અચોક્કસ મુદ્દતની હડતાળમાં જોડાયા નથી તેમને પણ હડતાળમાં સામેલ થવા માટે કહેવાયું છે.

પંચાયત સેવાના આરોગ્ય કર્મચારીઓને કારણદર્શક નોટિસ મળી છે, તેમણે છેલ્લી ત્રીજી કારણદર્શક નોટિસ વખતે જ જવાબ આપવાનો રહેશે. કર્મચારી સંગઠને સરકાર સાથે મિટિંગ યોજાય તેવી શક્યતા વ્યક્ત કરી છે. 33 જિલ્લાના આરોગ્ય કર્મચારી મહાસંઘના પ્રમુખો, મહામંત્રી, મુખ્ય કન્વીનરને ગાંધીનગર હાજર રહેવા માટે પણ તાકીદ કરી છે. રાજ્ય આરોગ્ય વિભાગનું અલ્ટીમેટમ સોમવારે પૂર્ણ થવા જઈ રહ્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા કડક પગલાં ભરવામાં આવી શકે છે.

(1:20 PM IST)