<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th March 2025

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વડનગરના વિકાસ પ્રોજેક્ટ્સની સમીક્ષા કરી

ઝડપી પૂર્ણતા માટે અધિકારીઓને આપ્યું માર્ગદર્શન : હાટકેશ્વર મહાદેવ લાઈટ એન્ડ સાઉન્ડ શોનું લોકાર્પણ

વડનગર : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઐતિહાસિક અને પુરાતન નગર વડનગરમાં ચાલી રહેલા વિકાસ પ્રોજેક્ટ્સની વ્યાપક સમીક્ષા કરવા ઉચ્ચ સ્તરીય બેઠક યોજી. આ બેઠકમાં તેમણે હાટકેશ્વર મહાદેવના લાઈટ એન્ડ સાઉન્ડ શો સહિતના વિકાસ કામોનું લોકાર્પણ કર્યું અને પ્રગતિ હેઠળના પ્રોજેક્ટ્સ ઝડપથી પૂર્ણ થાય તે માટે વરિષ્ઠ અધિકારીઓને માર્ગદર્શન આપ્યું.  


પ્રવાસન, શહેરી વિકાસ અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગો દ્વારા વડનગરમાં હાથ ધરાયેલા પ્રોજેક્ટ્સનું વિસ્તૃત પ્રેઝન્ટેશન મુખ્યમંત્રી સમક્ષ રજૂ થયું. આમાં વડનગર-મોઢેરા સર્કિટ (સ્વદેશ દર્શન સ્કીમ), હેરિટેજ વિસ્તાર વિકાસ, પ્રેરણા સ્કૂલ પરિસર, રેલવે સ્ટેશન ડેવલપમેન્ટ, ટ્રાન્સપોર્ટ હબ અને કિર્તિતોરણ જેવા દર્શનીય સ્થળોના આધુનિક વિકાસની વિગતો સામેલ હતી.  


પ્રવાસન વિભાગે ૧૬ પ્રોજેક્ટ પૂર્ણ કર્યા છે, જ્યારે ૬ પ્રગતિમાં છે. શહેરી વિકાસ વિભાગે હેરિટેજ વિસ્તાર, ટ્રાન્સપોર્ટ હબ અને સ્વચ્છતા સંબંધી કામોની માહિતી આપી. આ વર્ષે ૬ લાખથી વધુ પ્રવાસીઓએ વડનગરની મુલાકાત લીધી, જેની મુખ્યમંત્રીશ્રીએ નોંધ લીધી. ઉત્તર ગુજરાત વીજ કંપની દ્વારા સોલરાઇઝેશન અને આર્કિયોલોજિકલ મ્યુઝિયમની સુવિધાઓ-પ્રમોશનલ પ્રવૃત્તિઓ પર પણ ચર્ચા થઈ.  


મુખ્યમંત્રી પટેલે પ્રેઝન્ટેશનનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરી, કામો ઝડપથી પૂર્ણ કરવા સૂચનો આપ્યા. બેઠકમાં મુખ્ય સચિવ મનોજકુમાર દાસ, શહેરી વિકાસ અગ્ર સચિવ  અશ્વિનીકુમાર, પ્રવાસન અગ્ર સચિવ ડૉ. રાજેન્દ્ર કુમાર, યુવક સેવા અગ્ર સચિવ થેન્નારસન, મહેસાણા જિલ્લા કલેક્ટર પ્રજાપતિ સહિત અધિકારીઓ હાજર રહ્યા.

 

(6:23 PM IST)