News of Monday, 24th March 2025
સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ અત્યાર સુધીમાં કુલ રૂ. ૭૯,૧૭૯ કરોડનાં શહેરી વિકાસનાં કામો કરાયા :મંત્રી ઋષિકેશ પટેલ
અમૃત મિશન ૧.૦ હેઠળ રૂ. ૫૧૬૫ કરોડથી વધુ તથા અમૃત મિશન ૨.૦ હેઠળ રૂ. ૧૭,૭૧૭ કરોડથી વધુનાં કામો કરાયાં: ઋષિકેશ પટેલ

ગાંધીનગર :રાજ્યમાં ભૂગર્ભ ગટર યોજના અને શહેરી વિકાસ યોજના અંગે વિધાનસભા ગૃહમાં પૂછાયેલા પ્રશ્નનો મુખ્યમંત્રી વતી પ્રત્યુત્તર આપતાં મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે અમૃત મિશન ૧.૦ હેઠળ વર્ષ ૨૦૧૫થી ૨૦૨૧ દરમિયાન કુલ રૂ. ૫૧૬૫.૯૬ કરોડનાં કામો હાથ ધરવામાં આવ્યાં હતાં, જ્યારે વર્ષ ૨૦૨૧થી અમૃત મિશન ૨.૦ હેઠળ અમલી છે. જે અંતર્ગત અત્યાર સુધીમાં કુલ રૂ. ૧૭,૭૧૭ કરોડનાં કામો કરવામાં આવ્યાં છે. આ સિવાય, સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ વર્ષ ૨૦૨૫-૨૬ માટેની સૂચિત જોગવાઈ સહિત અત્યાર સુધીમાં કુલ રૂ. ૭૯,૧૭૯ કરોડનાં શહેરી વિકાસનાં કામો કરવામાં આવ્યાં છે.
આ અંગે વિગતવાર માહિતી આપતાં મંત્રીએ જણાવ્યું કે ગુજરાત રાજ્યની સ્થાપનાનાં ૫૦ વર્ષની ઉજવણીના ભાગરૂપે અને વધતી જતી શહેરીકરણની ઝડપ અને તે અન્વયે ઉપસ્થિત થયેલા પડકારોને પહોંચી વળવા રાજયના શહેરોના સર્વાંગી વિકાસ માટે વર્તમાન વડાપ્રધાન અને રાજ્યના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ષ ૨૦૦૯માં સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અમલમાં મૂકવામાં આવી હતી તેમ મંત્રીએ જણાવ્યું હતું.
સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રાજકોટ જિલ્લાની ભાયાવદર, ધોરાજી તથા જસદણ નગરપાલિકાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત ધોરાજી નગરપાલિકાની વિગતો આપતાં મંત્રી પટેલે જણાવ્યું હતું કે ભૂગર્ભ ગટર યોજના (ભાગ-ર)માં પમ્પિંગ સ્ટેશન, ડી.આઇ. તથા આર.સી.સી. પાઇપલાઇન, પમ્પિંગ મશીનરી, કમ્પાઉન્ડ વોલ તથા બે વર્ષ મરામત અને નિભાવણીનાં કામો આવરી લેવામાં આવ્યાં છે. આ માટે તા. ૨૭ જૂન, ૨૦૨૪ના પત્રથી ગુજરાત શહેરી વિકાસ કંપની દ્વારા વર્કઓર્ડર આપવામાં આવ્યો છે, જેની ૬૫ ટકા કામગીરી પૂર્ણ થઈ છે તેમ તેમણે ઉમેર્યું હતું
(6:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
