<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th March 2025

ડોલર વટાવવાનાં બહાને યુવકને ખેડા બોલાવી 2 શખ્સોએ ચલાવી લૂંટ:મણિનગર પોલીસમાં બે યુવકો સામે ફરિયાદ

ડોલર વટાવતા પહેલા મંદિરમાં વિધિ કરવાના બહાને 1100 રૂપિયા પડાવ્યા: ખેડાનાં મંદિરમાં ઝઘડો કરી 1.10 લાખની લૂંટ

અમદાવાદ :ડોલર વટાવી આપવાના નામે યુવકને બોલાવી કરાઈ લૂંટ કરવામાં આવી છે.  ડોલર વટાવતા પહેલા મંદિરમાં વિધિ કરવાના બહાને 1100 રૂપિયા પડાવ્યા હતા. ખેડાનાં મંદિરમાં ઝઘડો કરી 1.10 લાખની લૂંટ કરવામાં આવી હતી. રિતેષ પટેલ નામનાં યુવક સાથે સમગ્ર ઘટના બની હતી. મણિનગર પોલીસ સ્ટેશનમાં બે યુવકો સામે ફરિયાદ નોંધી છે.

અમદાવાદનાં મણિનગરમાં કુંભનાથ સોસાયટીમાં રહેતા રીતેષ પટેલ ડીજીટલ ક્રિએટર તરીકેનો વ્યવસાય કરીને પરિવારનુ ગુજરાન ચલાવે છે. ગત ફેબ્રુઆરી મહિનામાં રીતેશ ભાઈ મુંબઈમાં તેના સાળાના ઘરે મળવા માટે ગયા હતા. ત્યાં આગાળ સાળાએ બનેવીને જણાવ્યું કે મહિના અગાઉ તેની પર અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો કે ફર્નીચર અને પ્લાસ્ટરનું કામકાજ કરાવવાનું છે, પરંતુ મારી પાસે ડોલર પડયા છે, જો કોઈ વ્યક્તિ ડોલર લઈને મજુરી પેટે લઈને કામ કરી અથવા તમે ડોલર વટાવી આપો તો કમીશન મળશે જો ઈચ્છા હોય તો મારો સંપર્ક કરાવજો. ત્યારબાદ રીતેશ ભાઈ અમદાવાદ આવી ગયા હતા અને લાલચમાં આવીને સાળા પાસેથી મોબાઈલ નંબર મેળવ્યો અને તે નંબર પર ફોન કર્યો હતો. જેથી મહેન્દ્ર પટેલ નામના વ્યક્તિએ સાળા અને બનેવીને ખેડા જીલ્લાના ચકલાસી ગામે બોલાવ્યા અને ઘરે લઇ ગયા હતા. અને કહ્યું કે મારી પાસે ડોલરના 11 બંડલ છે. જે ઇન્ડિયન રૂપિયામાં ટ્રાન્સફર કરી આપો મારે ફક્ત 50થી 60 ટકા ભારતીય નાણું જોઈએ છે. ત્યારબાદ સાળો અને બનેવી વધુ લાલચમાં આવ્યા અને ડોલર ટ્રાન્સફર કરવાની પ્રોસેસ જાણવાનો પ્રયાસ કર્યો હતો.

ત્યારબાદ ગત 11 માર્ચના રોજ સાળા બનેવી ફરીથી મહેન્દ્ર પટેલ સાથે તેના ઘરે મુલાકત કરી પરંતુ આ સમયે તેના ઘરે નરેન્દ્ર રાજપુત નામનો શખ્સ હાજર હતો. તેને રીતેશ ભાઈને જણાવ્યું કે ડોલર આપતા પહેલા તમારે અમને 50 ટકા રકમ એડવાન્સ આપવી પડશે જેથી રીતેશ ભાઈએ કહ્યું કે પહેલા અમારે ડોલર સાચા છે કે ખોટા તે તપાસવા પડશે ને બાદમાં વકીલની હાજરીમાં ડોલર ટ્રાન્સફર કરવા અંગેનો લેખિત કરાર કરવો પડશે ત્યારબાદ આગળની પ્રોસેસ શરુ કરીશું આ દરમિયાન નરેન્દ્ર રાજપૂતે સાળા અને બનેવીને કહ્યું કે તમારે પહેલા 1.10 લાખ રૂપિયા રોકડા આપવા પડશે જેનાથી હું મંદિરનું રીનોવેશન કરાવીશ અને બાકીના મારા અટવાયેલા કામ પુરા કરીશ જેથી રીતેશ ભાઈએ કહ્યું કે હાલ અમારે આટલા બધા રૂપિયાની વ્યવસ્થા કરવી પડશે  કહીને સાળો અને બનેવી અમદાવાદ પાછા આવી ગયા હતા. 

ગત તા.20 ફેબ્રુઆરીના રાતે સાળો અને બનેવી રૂ.1.10 લાખ લઈને ખેડા જીલ્લાના ચકલાસી ગામે નરેન્દ્ર રાજપુતના ઘરે ગયા હતા. જ્યાં આગળ નરેન્દ્ર રાજપૂતે બંને પાસે મંદિરમાં પૂજા કરવી પડશે કહીને રૂ.1100 માંગ્યા હતા. થોડીવાર બાદ નરેન્દ્ર રાજપુતનો ફોન તેના ભાઈ વિજય રાજપુત પર આવ્યો અને કહ્યું કે બંને મંદિર લઈને આવી જા, સાળો અને બનેવી વિજય રાજપૂત સાથે મંદિરે પહોંચ્યા ત્યારે નરેન્દ્ર રાજપૂતે પૂજા કરીને માતાજીની હાજરીમાં તમામ વહીવટ કરીશું મંદિરમાં પૂજા કરાવા લાગ્યા હતા. પૂજા કર્યા બાદ ચારેય લોકો મંદિરની બહાર નીકળ્યા તે સમયે અજાણ્યો શખ્સ લથડીયા ખાતો આવ્યો અને નરેન્દ્ર રાજપુત સાથે અથડાઈને કહ્યું કે ડોલર વટાવવા માટે બહારથી લોકોનો બોલાવો છો તેમ કહીને તકરાર કરવા લાગ્યો હતો.

આ સમયે નરેન્દ્ર રાજપૂતે તેની પાસે રહેલો ચાકુ કાઢીને અજાણ્યા શખ્સને મારી દેતા બુમાબુમ થતા ગામના લોકો ભેગા થઇ ગયા હતા. ત્યારે ઝપાઝપા દરમિયાન નરેન્દ્ર રાજપુત અને મહેન્દ્ર રાજપૂતે રીતેશ ભાઈ પાસે રહેલા રોકડા 1.10 લાખ રૂપિયાથી ભરેલી થેલી ચપ્પુ બતાવીને છીનવી લીધી હતી. ગભરાઈ ગયેલા સાળા અને બનેવી ત્યાંથી ચકલાસી ગામેથી નીકળીને અમદાવાદ આવી પહોંચ્યા હતા અને બાદમાં આ અંગેની ફરિયાદ મણીનગર પોલીસમાં નોંધાવતા પોલીસે નરેન્દ્ર રાજપૂત અને વિજય રાજપૂત સામે લૂંટનો ગુનો નોંધીને તપાસ શરુ કરી છે.

(8:14 PM IST)