<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th March 2025

અમદાવાદના બાપુનગરમાં ગાળો બોલવાની ના પાડતા છરીના ઘા ઝીકી યુવકની હત્યા:4 આરોપીઓની ધરપકડ

પોલીસે અલગ અલગ ટીમો કામે લગાડી ગુનામાં સામેલ ચાર આરોપીઓને ગણતરીના કલાકોમાં પકડી પાડ્યા

અમદાવાદ :શહેરમાં વધુ એક હત્યાનો બનાવ બન્યો છે.બે  વ્યક્તિ વચ્ચે થયેલા ઝઘડામાં વચ્ચે પડેલા 19 વર્ષના યુવકની કરપીણ હત્યા થઇ છે,પાંચ જેટલા શખ્સોએ આ ગુનાને અંજામ આપ્યો છે.  તેવામાં પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે. બાપુનગર પોલીસે હત્યાના ગુનામાં હિંમત સોલંકી, ભદ્રેશ સોલંકી, ગણપત સોલંકી અને હર્ષદ સોલંકી નામના આરોપીની ધરપકડ કરી છે. આ ચાર જણા સહિત અન્ય જયસિંહ સોલંકી નામના આરોપીએ સોમવારે મોડી રાત્રે હત્યાને અંજામ આપ્યો છે.

બાપુનગર વિસ્તારમાં આવેલા કર્ણાવતી એપાર્ટમેન્ટ બહાર આ ઘટના બની હતી, જેમાં 19 વર્ષના વિજય ઉર્ફે વિશાલ શ્રીમાળી નામના યુવકને છરીથી હુમલો કરી મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો. આ ઘટનાની જાણ થતા બાપુનગર પોલીસની ટીમે સ્થળ ઉપર પહોંચીને ગુનો દાખલ કરી અને આરોપીઓને પકડવાની કામગીરી હાથ ધરી ગણતરીના કલાકોમાં ગુનામાં સામેલ ચાર આરોપીઓને પકડી પાડ્યા હતા. 

મૃતક વિજય શ્રીમાળીના માતા પિતાએ છૂટાછેડા લીધા હતા.  જેથી તે પોતાના નાનીના ઘરે મેઘાણીનગર ખાતે રહેતો હતો. તેનું મિત્ર વર્તુળ બાપુનગર વિસ્તારમાં હોય તે દરરોજ રાત્રે કર્ણાવતી એપાર્ટમેન્ટ ખાતે પોતાના મિત્ર પ્રિયેશ વછેટાને  મળવા આવતો હતો. સોમવારે રાતના સમયે પ્રિયેશ વછેટા તેના બનેવીની ઓફિસ ખાતે ગયો હતો અને ત્યાં તેના બનેવી વિજયભાઈ, ભરતભાઈ પરમાર, હાર્દિક રાજપરા, વિજય ઉર્ફે વિશાલ શ્રીમાળી, ધવલ બારોટ અને વિનોદભાઈ તેની ઓફિસે બેઠા હતા. રાતના સવા બાર વાગ્યા આસપાસ કર્ણાવતી એપાર્ટમેન્ટમાં રહેતો જયસિંહ છરી લઈને આવ્યો હતો અને પ્રિયેશ વછેટા અને તેના બનેવી વિજયભાઈ સાથે ગાળા ગાળી કરી હતી. જેને ગાળો બોલવાની ના પાડતા તે ઉશ્કેરાયો હતો અને બૂમાબૂમ થતા હર્ષદ સોલંકી, ભદ્રેશ સોલંકી, હિંમત સોલંકી તેમજ ગણપત સોલંકી ત્યાં આવ્યા હતા. જ્યાં મારા મારી થતા જયસિંહ સોલંકીએ છરીથી વિજય શ્રીમાળીને છાતી પર હુમલો કરતા તેને ઇજાઓ પહોંચી હતી. 

(6:34 PM IST)