<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th March 2025

ભાજપમાં દમ હોય તો મને ડરાવી ધમકાવીને કે ઝુકાવીને બતાવે: આશા છે કે વિસાવદરના ખેડૂતો મારા જેવા એક ખેડૂત પુત્રને અને સામાન્ય પરિવારમાંથી આવનારા ઉમેદવારને સ્વીકારશે: હું વિસાવદરના ખેડૂતોનો અવાજ બનીશ અને વિધાનસભામાં મુખ્યમંત્રીની આંખોમાં આંખો નાખીને ખેડૂતો મુદ્દે સવાલ પૂછીશ: ગોપાલ ઇટાલીયા : જુઓ વિડિઓ

વિસાવદર વિધાનસભા પેટાચૂંટણીમાં પહેલો ઘા ગોપાલ ઈટાલીયાનો : 'આપ' ઉમેદવાર ગોપાલ ઇટાલીયાના APMCથી ચૂંટણીપ્રચારના શ્રીગણેશ : રાત્રે મોટા કોટડામાં જાહેર સભા : 'આપ' કાર્યકર્તાઓમાં અનેરો ઉત્સાહ,"ગોપાલભાઈ તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ" ના નારા લગાવ્યા

રાજકોટ તા.૨૬ : વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી ગોપાલ ઇટાલીયાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. આજે તેઓએ વિસાવદર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પ્રચાર અભિયાન શરૂ કર્યો હતો. વિસાવદરના ઉમેદવાર ગોપાલ ઇટાલીયાનો આજનો પ્રવાસ કાર્યક્રમ સવારે માંડાવડ માર્કેટિંગ યાર્ડથી શરૂ થયો છે. ત્યારબાદ તેઓ વિસાવદર સરદાર ચોક અને આંબેડકર ચોકની મુલાકાત લીધી. બપોરે સતાધાર ધામ જશે. 

      બપોર પછી કાલસારી, ભલગામ, ચુડા અને ચણાકા ગામોમાં પ્રચાર કરશે. રાત્રે 8 વાગ્યે મોટા કોટડા ગામે જાહેર સભા સંબોધશે. આજે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ હારતોરા કરી ઢોલના ધબકારે ગોપાલ ઇટાલીયાને આવકાર્યા હતા અને કાર્યકર્તાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. સમર્થકો અને કાર્યકર્તાઓએ "ગોપાલભાઈ તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ" ના નારા સાથે ચૂંટણી પ્રચાર પ્રસારના શ્રીગણેશ કર્યા હતા.

આ દરમિયાન વિસાવદરના  આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલીયાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, ભાજપના નેતાઓ માનતા હોય છે કે તેઓ ડરાવી ધમકાવીને કે લલચાવીને કોઈપણ ઉમેદવારને, ધારાસભ્યને કે કોઈ આગેવાનને બેસાડી દેશે, પરંતુ હું ભાજપના નેતાઓને ચેલેન્જ આપવામાં માગું છું કે જો કોઈ માઈનો લાલ હોય તો ગોપાલ ઇટાલીયાને પૈસાથી, પદથી, પોલીસથી તંત્રથી સીબીઆઇથી ડરાવી ધમકાવી કે ઝૂકાવી બતાવે. મને પૂરો વિશ્વાસ છે કે વિસાવદરના ખેડૂતો મારા જેવા એક ખેડૂત પુત્રને અને સામાન્ય પરિવારમાંથી આવનારા ઉમેદવારને સ્વીકારશે. હું વિસાવદરના ખેડૂતોનો અવાજ બનીશ અને વિધાનસભામાં મુખ્યમંત્રીની આંખોમાં આંખો નાખીને ખેડૂતો મુદ્દે સવાલ પૂછીશ. હું આશા વ્યક્ત કરું છું કે આ વખતે ફરી એકવાર વિસાવદરના લોકો આમ આદમી પાર્ટી પર વિશ્વાસ કરશે અને આમ આદમી પાર્ટીને વિજય બનાવશે. 

(1:16 PM IST)