<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th March 2025

આરોગ્ય કર્મચારીઓની હડતાલને કોંગ્રેસનો ટેકોઃ સરકારની નીતિ અંગ્રેજ રાજ જેવી હોવાનો આક્રોશ

૯ દિવસથી આંદોલન છતા સરકારના પેટનું પાણી હલતુ નથીઃ અમિત ચાવડા

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર, તા. ર૬: રાજ્યભરમાં સતત ૯ દિવસથી ચાલી રહેલ આરોગ્ય વિભાગના કર્મચારીઓની હડતાળને ટેકો આપતા અને સરકારને આ કર્મચારીઓની માંગણી પૂરી કરવા રજુઆત કરતા ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા શ્રી અમિત ચાવડાએ જણાવ્યું કે ઠંડી હોય, ગરમી હોય, વરસાદ હોય, લોકોના આરોગ્ય માટે દિવસ રાત મહેનત કરતા ગુજરાતના આરોગ્ય વિભાગના જે કર્મચારીઓ છે, મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર હોય, ફિમેલ હેલ્થ વર્કર હોય, મલ્ટી પર્પઝ સુપર વાઇઝર હોય, ફીમેલ હેલ્થ સુપર વાઇઝર હોય કે તાલુકા કે જિલ્લાના સુપર વાઇઝર હોય, આરોગ્ય વિભાગ અને પંચાયત વિભાગના જે પણ કર્મચારીઓ છે જેમણે કોરાનાના કપરા સમયમાં પણ પોતાના કે પરિવારના જીવની ચિંતા કર્યા વગર આ ગુજરાતના લોકોને કોરોનામાંથી બચાવવા માટે ખૂબ મહેનત અને સંઘર્ષ કર્યો છે.

લાંબા સમયથી આ કર્મચારીઓ પોતાની નાણાકીય માંગણીઓ, વહીવટી માંગણીઓને લઈને સરકારને સતત રજુઆત કરતા આવ્યા છે અને સરકારે પણ અનેક વાર વાટાઘાટો કરી, કર્મચારીઓને માત્ર આશ્વાસનો આપ્યા, એના માટે એક કમિટી પણ બનાવી અને એ કમિટીએ જે ભલામણો કરી એ ભલામણનો અમલ સરકાર કરવા માંગતી નથી.

રાજ્ય સરકારી નીતિને અંગ્રેજો સાથે સરખાવતા શ્રી અમિત ચાવડાએ જણાવ્યું કે આ આરોગ્ય કર્મીઓ નાણાકીય અને વહીવટી માંગણીઓને લઈ આંદોલનના ૯ માં દિવસ થયો હોવા છતાં સરકાર એની સાથે વાટાઘાટ કરવા પણ તૈયાર નથી, ઊલટું અંગ્રેજોની નીતિ મુજબ સરકાર વર્તન કરી રહી છે.

વિધાનસભા ગૃહમાં કરવામાં આવેલી રજૂઆત મુદ્દે શ્રી અમિત ચાવડાએ જણાવ્યું કે આજે વિધાનસભામાં આરોગ્ય વિભાગની ચર્ચામાં પક્ષના ધારાસભ્યો ડો. કિરીટ પટેલ અને શ્રી વિમલ ચુડાસમાએ આ આરોગ્ય વિભાગના કર્મચારીઓની વ્યાજબી માંગણીઓ છે, એને માટે સરકાર તેમને તાત્કાલિક વાટાઘાટો માટે બોલાવે અને તેમની માંગણીઓનો સ્વીકાર કરે અને હડતાળને સમાપ્ત કરે.

(2:40 PM IST)