News of Thursday, 27th March 2025
મારું દર્દ માત્ર હું જ જાણું છું' ચિઠ્ઠી લખી વડોદરામાં બીમારીથી કંટાળીને નર્સિંગના વિદ્યાર્થીનો ગળે ફાંસો ખાઈને આપઘાત
મૃતકે અંતિમ પગલું ભરતા પહેલા પોતાના માતા-પિતાને સંબોધીને લખેલી અંતિમ ચિઠ્ઠી મળી

વડોદરા :શહેરના નવા યાર્ડ વિસ્તારમાં પેટની બીમારીથી કંટાળી ગયેલા નર્સિંગના વિદ્યાર્થીએ પોતાના ઘરે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે. મૃતકે અંતિમ પગલું ભરતા પહેલા પોતાના માતા-પિતાને સંબોધીને લખેલી અંતિમ ચિઠ્ઠી પણ મળી આવી છે.
વડોદરાના નવાયાર્ડ વિસ્તારમાં આવેલી પાવન પાર્ક સોસાયટીમાં માતા-પિતા સાથે રહેતો શ્રેય સુનિલ ડાભી (19) ગોરવા વિસ્તારમાં આવેલી ખાનગી કૉલેજમાં નર્સિંગનો અભ્યાસ કરતો હતો. આજે શ્રેયે પોતાના ઘરે સ્યુસાઈડ નોટ લખીને ગળે ફાંસો ખાઈ લીધો હતો.
પોતાની સ્યુસાઈડ નોટમાં શ્રેયે લખ્યું છે કે, 'આ પગલું મેં મારી બીમારીના કારણે ભર્યું છે. જેના માટે બીજુ કોઈ જવાબદાર નથી. મારું દર્દ માત્ર હું જ જાણું છું. મમ્મી-પપ્પા તમે ખુશ રહેજો'
આ બનાવની જાણ થતાં ફતેગંજ પોલીસ મથકની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. જેમણે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલમાં મોકલીને આગળની તપાસ હાથ ધરી છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં શ્રેયને પેટમાં સ્વાદુપિંડ પાસે સતત દુખાવો રહેતો હતો. જેને લઈને તેની સર્જરી પણ કરવામાં આવી હતી. હાલ તો ફતેગંજ પોલીસે સ્યુસાઈડ નોટ કબજે કરવા સાથે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
(12:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
