News of Saturday, 29th March 2025
કલાકારો બાદ સરકાર હવે ખેડૂતોને પણ વિધાનસભામાં બોલાવી સન્માનિત કરે: AAP નેતા ગોપાલ ઈટાલિયા
જેણે ગુજરાતને બનાવવાના પાયામાં પોતાનો પરસેવો રેડ્યો છે, તેવા ખેડૂતો વિધાનસભામાં કેમ ના આવી શકે?

અમદાવાદ : તાજેતરમાં ગુજરાતના લોકગાયકો અને સાહિત્યકારોએ આમંત્રણ મળતા ગુજરાત વિધાનસભાની મુલાકાત લીધી હતી. જ્યાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી દ્વારા તમામ આમંત્રિત કલાકારોનું સન્માન કરવામાં આવ્યું હતુ. જો કે ઉત્તર ગુજરાતના લોકગાયક અને અભિનેતા વિક્રમ ઠાકોરને આમંત્રણ ના મળતા તેમણે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. હવે વિક્રમ ઠાકોરની નારાજગીને વીસાવદર બેઠક પરથી આમ આદમી પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવેલા ગોપાલ ઈટાલિયાએ વ્યાજબી ઠેરવી છે.
હકીકતમાં ગોપાલ ઈટાલિયાએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં સરકારના આમંત્રણને માન આપીને વિધાનસભાની મુલાકાતે આવેલા કલાકારોને સરકારી કલાકારો ગણાવ્યા હતા. પોતાના વીડિયોમાં ઈટાલિયાએ જણાવ્યું કે, થોડા સમય પહેલા ગુજરાતની સરકારે ભાજપની વાહવાહી અને પાર્ટીનો ખુલ્લેઆમ પ્રચાર કરતા હોય, તેવા કલાકારોને વિધાનસભામાં બોલાવીને પ્રચાર કરવાનું કામ કર્યું હતુ. જેનાથી વિક્રમ ઠાકોર નારાજ થઈ ગયા હતા.
નારાજ વિક્રમ ઠાકોરે પત્રકાર પરિષદ સંબોધીને પોતાનો અવાજ ઉઠાવીને માંગણી રજૂ કરી હતી. માત્ર સરકારી કલાકારો જ કેમ, સમાજના તમામ વર્ગના કલાકારોને વિધાનસભામાં માન-સન્માન આપવું જોઈએ. વિક્રમ ઠાકોરની આ માંગણી બાદ ભાજપની સરકાર પર દબાણ આવ્યુ અને પછી તેમણે અલગ-અલગ કલાકારોને વિધાનસભામાં બોલાવીને સન્માન આપવાનું ચાલું કર્યું.
ગુજરાતી કલાકારો વિધાનસભામાં આવે, કાર્યવાહી નિહાળે અને તેમની કલાનું સન્માન થાય તે ઉત્તમ બાબત છે. હવે હું ગુજરાતની ભાજપ સરકારને પ્રશ્ન પૂછુ છું કે, જેણે ગુજરાતને બનાવવાના પાયામાં પોતાનો પરસેવો રેડ્યો છે, તેવા ખેડૂતો વિધાનસભામાં કેમ ના આવી શકે? ખેડૂતોને પણ વિધાનસભામાં આવવાનો અને કાર્યવાહી જાણવાનો અધિકાર છે. આથી હું સરકારને વિનંતી કરું છું કે, વિસાવદર, ભેંસાણ પંથકના પ્રગતિશીલ ખેડૂતોને પણ વિધાનસભામાં આમંત્રણ આપવામાં આવે અને તેમનું માન-સન્માન કરવામાં આવે.
(7:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
