News of Sunday, 30th March 2025
ભુપેન્દ્રભાઈની સરકારમાં કોઈની લાલીયાવાડી નહીં ચાલે : શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા
જૂનાગઢની શાળાનું નબળું બાંધકામ તોડવાનું શરૂ : ગેરવહીવટ કે ગેરરીતિ સામે કડક કાર્યવાહીની ચીમકી : વિદ્યાર્થીઓની સુરક્ષા સરકારની પ્રાથમિકતા

ગાંધીનગર, 30 માર્ચ 2025: ગુજરાતના શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર કોઈની લાપરવાહી કે લાલીયાવાડી ચલાવી લેશે નહીં. વિદ્યાર્થીઓને સુરક્ષિત અને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવું એ સરકારની પ્રથમ પ્રાથમિકતા છે. જો કોઈ જિલ્લામાંથી ગેરવહીવટ કે ગેરરીતિની માહિતી મળશે તો કડકમાં કડક પગલાં લેવામાં આવશે.
જૂનાગઢની શાળાનું નબળું બાંધકામ તોડવાનું શરૂ:
જૂનાગઢ જિલ્લાના ભેંસાણ તાલુકાના ખજૂરી હડમતીયા ગામની પ્રાથમિક શાળામાં નબળી ગુણવત્તાના બાંધકામની ફરિયાદ ગ્રામજનો અને સ્થાનિક આગેવાનોએ પ્રફુલભાઈ પાનશેરીયાને કરી હતી. આ ફરિયાદ 19 માર્ચ 2025ના રોજ ગ્રાઉન્ડ ફ્લોરના સ્લેબનું કાસ્ટિંગ થયાના બીજા જ દિવસે નોંધાઈ હતી. મંત્રીએ તાત્કાલિક સમગ્ર શિક્ષા કચેરી અને સંબંધિત અધિકારીઓને પગલાં લેવાની સૂચના આપી.
તે જ દિવસે રાત્રે 8:30 વાગ્યે જિલ્લા પ્રોજેક્ટ ઈજનેર, થર્ડ પાર્ટી ઈજનેર, ટીઆરપી અને એજન્સીના પ્રતિનિધિઓએ સ્થળની મુલાકાત લઈ સ્થિતિની સમીક્ષા કરી. બાંધકામની ગુણવત્તા અસંતોષકારક જણાતાં પ્રફુલભાઈએ સ્લેબ તોડી નાખવાનો અને નવેસરથી બાંધકામ શરૂ કરવાનો આદેશ આપ્યો. એજન્સી અને સંબંધિત અધિકારીઓને નોટિસ આપવાની સૂચના આપી, જ્યારે ઈજનેરને બરતરફ કરવામાં આવ્યો છે.
એક્શન મોડમાં શિક્ષણ મંત્રી:
પ્રફુલભાઈ પાનશેરીયાએ એજન્સીને 7 દિવસમાં સ્લેબ તોડવાની પ્રક્રિયા શરૂ કરવા અને સલામતીની પૂરી તકેદારી રાખવા જણાવ્યું. કામગીરીના ફોટોગ્રાફ્સ સાથેનો અહેવાલ ગાંધીનગર કચેરીમાં રજૂ કરવાની સૂચના પણ આપી. હાલ ખજૂરી હડમતીયા શાળાના ગ્રાઉન્ડ ફ્લોરના સ્લેબને તોડવાનું કામ શાળા સંચાલન સમિતિ અને સ્થાનિક તંત્રની દેખરેખમાં ઝડપભેર ચાલી રહ્યું છે. નવો સ્લેબ બંધાયા બાદ વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે સુરક્ષિત શૈક્ષણિક માહોલ ઉભો થશે.
ગુણવત્તા સાથે સમાધાન નહીં:
મંત્રીએ શિક્ષણ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં પારદર્શિતા અને જવાબદારીનો સંદેશ આપતાં કહ્યું કે, "રાજ્યમાં જ્યાં શાળાઓનું બાંધકામ નબળું હશે, ત્યાં તેને તોડી પાડવામાં આવશે અને જવાબદારો સામે કાર્યવાહી થશે." ગુણવત્તા પર ઢીલ આપનારાઓ સામે કડક પગલાં લેવાની ચીમકી પણ આપી.
અગાઉની કાર્યવાહીઓ:
અગાઉ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના ભંડારીયા ગામની સરકારી પ્રાથમિક શાળા અને કામરેજ વિધાનસભાના દેરોદ ગામે નવીન આંગણવાડી કેન્દ્રના લોકાર્પણ વખતે બાંધકામની ગુણવત્તા નબળી જણાતાં પ્રફુલભાઈએ ત્વરિત એક્શન લઈને તેને તોડાવી ગુણવત્તાસભર બાંધકામનો આદેશ આપ્યો હતો.
ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં અને પ્રફુલભાઈ પાનશેરીયાના માર્ગદર્શન હેઠળ ગુજરાતના બાળકો ભણી-ગણીને આગળ વધી રહ્યા છે. મંત્રીએ જણાવ્યું કે, "બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે સરકાર હંમેશા એક્શન મોડમાં કામ કરે છે. શાળાઓમાં સુરક્ષા અને શિક્ષણના મુદ્દે કોઈ સમાધાન નહીં થાય."
આ ઘટનાએ રાજ્યમાં શિક્ષણના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે, અને સરકારની કડક નીતિના પગલે ગુણવત્તામાં સુધારો થવાની આશા જાગી છે.
(4:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
