News of Monday, 31st March 2025
અમદાવાદના ઓઢવ બ્રિજની નીચે રિગ રોડ પર આગ ભભૂકી :પોલીસે ડિટેઇન કરેલા 22 સહીત 35 વાહનો બળીને ખાખ
22 જેટલાં ડિટેઈન કરેલાં ટુ-વ્હીલર અને બે ગાડીમાં જ્યારે બાકીના 11 ટુ વ્હીલર અન્ય લોકોનાં પાર્ક કરેલાં હતાં તેમાં આગ લાગી

ફોટો
અમદાવાદ :ઓઢવ બ્રિજ નીચે ટ્રાફિક પોલીસે ડિટેઈન કરેલા વાહનમાં આગ લાગતા 35 વાહનો બળીને ખાખ થઇ ગયા છે. જેમાં 33 ટુવ્હીલર અને 2 કારનો સમાવેશ થાય છે. જો કે આગ લાગવાનું કારણ હજુ સુધી અકબંધ છે. પોલીસે આ ઘટનામાં વધુ તપાસ હાથ ધરી છે. આ આગ લાગી હતી કે લગાડવામાં આવી હતી તે મામલે FSLની ટીમ પણ તપાસ કરી રહી છે. ઓઢવ રિંગરોડ પર ટ્રાફિક પોલીસે કર્યા હતા વાહન ડિટેઇન અને ડિટેઈન કરીને તેને ચોકીની પાસે મૂકયા હતા. તે તમામમાં આગ લાગી હતી.
ફાયર બ્રિગેડ પાસેથી મળતી માહિતી મુજબ, વહેલી સવારે સાત વાગ્યાની આસપાસ ફાયર બ્રિગેડ કંટ્રોલ રૂમને મેસેજ મળ્યો હતો કે, રિંગરોડ પર ઓઢવ પોલીસ સ્ટેશનની સામે બ્રિજની નીચે વાહનોમાં આગ લાગી છે. જેથી તાત્કાલિક ધોરણે ઓઢવ ફાયર સ્ટેશનની બે ગાડીઓ ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડ પહોંચી ત્યારે બ્રિજની નીચે પડેલાં ટુ-વ્હીલર અને ગાડીમાં આગ લાગી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ પાણીનો મારો ચલાવી અને તાત્કાલિક ધોરણે આગને કાબૂમાં લઈ લીધી હતી. આગ લાગતાંની સાથે ઓઢવ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ બહાર દોડી આવ્યો હતો. ઘટનાની જાણ ઉચ્ચ પોલીસ અધિકારીને થતા તેઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા.
ઓઢવ ફાયર સ્ટેશન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ઓઢવ બ્રિજની નીચે આઇ ટ્રાફિક પોલીસ દ્વારા ડિટેઈન કરવામાં આવેલાં ટુ-વ્હીલર અને ગાડીઓમાં આગ લાગી હતી. 22 જેટલાં ડિટેઈન કરેલાં ટુ-વ્હીલર અને બે ગાડીમાં આગ લાગી હતી. જ્યારે બાકીના 11 ટુ વ્હીલર અન્ય લોકોનાં પાર્ક કરેલાં હતાં તેમાં આગ લાગી ગઈ હતી. આગ લાગવાનું કોઈ ચોક્કસ કારણ હજી સુધી જાણવા મળ્યું નથી. સવારે સાત વાગ્યાની આસપાસ આ ઘટના બની છે. પોલીસના અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આગ કેવી રીતે લાગી તે અંગે તપાસ શરૂ કરી છે.
(12:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
