<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 31st March 2025

નર્મદા જિલ્લા કક્ષાએ યોગ ટ્રેનર રિફ્રેશ તાલીમ શિબિર યોજાઈ

( ભરત શાહ દ્વારા ) નર્મદા : ગુજરાત રાજ્ય યોગ બોર્ડ (રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ) અંતર્ગત નર્મદા જિલ્લા કક્ષાની એક દિવસીય યોગ ટ્રેનર રિફ્રેશ તાલીમ શિબિરનું આયોજન ચેરમેન યોગ સેવક શિશપાલજીના માર્ગદર્શન હેઠળ જિલ્લા રમત-ગમત સંકુલ, રાજપીપલા ખાતે રવિવારે કરવામાં આવ્યું હતું.

 યોગ શિક્ષકોને યોગના વિવિધ વિષયોમાં વધુ નિષ્ણાત બનાવવા તેમજ દરેક તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ નિઃશુલ્ક યોગ કક્ષાઓ શરૂ કરાવવા માટે પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. નર્મદા જિલ્લામાં યોગ શિક્ષકો દ્વારા કુલ 100 નિઃશુલ્ક યોગ કક્ષાઓ શરૂ કરવાના આયોજન કરવામાં આવ્યું છે. એક નિઃશુલ્ક યોગ કક્ષા ચલાવનાર યોગ શિક્ષકને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રૂ. 3,000 માનદ વેતન આપવામાં આવે છે, જ્યારે બે નિઃશુલ્ક યોગ કક્ષા ચલાવનાર યોગ શિક્ષકને રૂ. 6,000 માનદ વેતન આપવામાં આવે છે.
  ગુજરાત રાજ્ય યોગ બોર્ડના વડોદરા જિલ્લાના ઇન્ચાર્જ ઝોન કો-ઓર્ડિનેટર ઇન્દ્રજીતભાઈ પરમાર અને મધ્ય ઝોનના ઇન્સ્પેક્શન ઝોન કો-ઓર્ડિનેટર મેડમ સીબાબેન મનોજની અધ્યક્ષતામાં સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં નર્મદા જિલ્લાના જિલ્લા રમત-ગમત સંકુલના ઇન્ચાર્જ મેનેજર રાજેન્દ્રસિંહ ઠાકોર તથા તમામ તાલુકા યોગ કોચ તેમજ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા તૈયાર કરવામાં આવેલા તમામ યોગ શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.
યોગ શિક્ષક બનવા માટે જિલ્લા યોગ કો-ઓર્ડિનેટર વસંતકુમાર (ગુજરાત રાજ્ય યોગ બોર્ડ) ને 9023455393 પર સંપર્ક કરી શકાશે

(10:38 PM IST)