<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st April 2025

કપડવંજ નજીક રોંગ સાઈડમાં જતી થાર ધડાકાભેર એસટી બસમાં ઘુસી ગઈ:અમદાવાદના યુવકનું મોત

થાર સાથે ટક્કર બાદ એસ.ટી બસના ડ્રાઈવરે પણ સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ રોડની નીચે ઉતરીને નજીકના ઝાડ સાથે ભટકાઈ

ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના ફતિયાવાદ ગામ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે.રોંગ સાઈડમાં પુરપાટ જતી થાર ધડાકાભેર એસટી બસમાં ઘુસી ગઈ હતી. આ અકસ્માતમાં અમદાવાદના યુવકનું મોત નિપજ્યું છે.

કપડવંજથી નડિયાદ તરફ જતી એસટી બસ ફતિયાબાદ કેનાલ નજીકથી પસાર થઈ રહી હતી. આ સમયે રોંગ સાઈડમાં આવેલી થાર ગાડી એસ.ટી બસના આગળના ભાગે ધડાકાભેર અથડાઈ હતી. થાર સાથે ટક્કર બાદ એસ.ટી બસના ડ્રાઈવરે પણ સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ રોડની નીચે ઉતરીને નજીકના ઝાડ સાથે ભટકાઈ હતી.

 

આ અકસ્માતની જાણ થતાં આસપાસના લોકો અને શિહોરા ગામના સરપચ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ અકસ્માત એટલો ભયાનક હતો કે, થારના આગળના ભાગનો કચ્ચરઘાણ વળી ગયો હતો. જ્યારે થારના ડ્રાઈવરનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતુ. બીજી તરફ એસ.ટી. બસમાં સવાર 8 થી 10 જેટલા મુસાફરોને પણ નાની મોટી ઈજા પહોંચી હતી, જેમને સારવાર અર્થે કપડવંજ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા છે. જે પૈકી 4 મુસાફરોની હાલત ગંભીર જણાતા તેઓને 108ની મદદથી નડિયાદ સિવિલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

બીજી તરફ આ બનાવની જાણ થતાં આંતરસુબા પોલીસ મથકની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક થાર ચાલકની ઓળખ કૃણાલ ઠાકોર (30) તરીકે થઈ છે. જે અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં રહેતો હતો અને કપડવંજના આંતરોલી ગામમાં પોતાની સાસરીમાં જઈ રહ્યો હતો. જ્યારે પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે, અકસ્માત સમયે થારની ગતિ 100 કિમી પ્રતિકલાકથી પણ વધુની હતી. હાલ તો પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

 

(12:40 AM IST)