<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st April 2025

સુધારેલા દર સાયન્‍ટિફિક લાગશે પછી જ રાજ્‍યભરમાં નવી જંત્રીનો અમલ

નવી જંત્રીના અમલની ભીતિથી છેલ્લા પખવાડિયામાં મિલકતોના મોટા પ્રમાણમાં દસ્‍તાવેજ : ઘર ખરીદવા માગતા હોય તેમને નવા દર લાગુ થતા પહેલાં સમય મળતા રાહત

 

 

 

અમદાવાદ,તા.૧: રાજ્‍યમાં નવી સૂચિત જંત્રી અનેક કારણસર અટવાઈ જતા! એપ્રિલથી અમલ થશે તેવી સંભાવના જોવાતી હતી તે થઈ શકશે નહીં અને તેમાં હજુ વધુ વિલંબ થઇ શકે છે. તેના કારણે અગાઉ જાહેર કરાયેલા દર પ્રમાણે જ જંત્રીના દર યથાવત રહેશે. જો કે જંત્રી મુદે જે ગૂંચ પડી છે તેને વહેલી તકે ઉકેલીને સત્‍વરે અમલ કરવા માટે સરકારે કવાયત ચાલુ રાખી છે. બીજી તરફ ૧ એપ્રિલથી જંત્રીના સુધારેલા દરનો અમલ થશે તેવી ભીતિથી રાજ્‍યમાં દસ્‍તાવેજો કરાવવાના પ્રમાણમાં પણ વધારો થયો હતો. જો કે હાલ જંત્રીનો અમલ ન થતા હજુ પણ જે લોકો ઘર ખરીદવા માગે છે તેમને નવા દર લાગુ

થતા પહેલાં થોડો સમય મળતા રાહત થવા પામી છે. રાજ્‍ય સરકારે ગત નવેમ્‍બર મહિનામાં જંત્રીના નવા સૂચિત દરની જાહેરાત કરી હતી. તેનો બિલ્‍ડર લોબીથી લઈને સામાન્‍ય નાગરિકોમાં પણ ભારે વિરોધ ઓનલાઈન અને ઓફલાઈન વાંધા સૂચનોથી લઈને સરકારને રૂબરૂ રજૂઆત સુધી થયો હતો. મહેસૂલ વિભાગે જિલ્લાઓમાંથી સમિતિઓના રિપોર્ટ મંગાવ્‍યા હતા અને ૬ હજારથી વધુ વાંધા સૂચનો ફક્‍ત જંત્રીના દર ઘટાડવા માટેના મળતા અને ૧૭૦૦ જેટલા સૂચન જંત્રીના દર વધારવા માટેના પણ મળતા સરકારને જે દર જાહેર કર્યા હતા, તેમાં નવેસરથી વિચારણા

કરવાની ફરજ પડી હતી. તે ઉપરાંત દાહોદ, કચ્‍છ અને બનાસકાંઠા જિલ્લામાંથી પણ વિવિધ કારણસર ડેટા અપૂરતા મળ્‍યા હતા. સ્‍ટેમ્‍પ પેપરની પણ મોટાપાયે ખરીદી શરૂ થઈ હતી. તો બિલ્‍ડર લોબી રિઅલ એસ્‍ટેટમાં મકાનો મોંઘાદાટ થાય તો વધુ મંદીના આવે તે પ્રમાણે દરમાં ફેરફાર થાય તેવો મત ધરાવતા હતા. તેવા વિવિધ કારણોથી પણ સમગ્ર રાજ્‍યમાં દર વધારવા માટેનો અમલ અટકી પડ્‍યો હતો.

સરકારને બાકી જિલ્લાઓમાંથી સમિતિઓના રિપોર્ટ મળ્‍યા બાદ મહેસૂલ વિભાગ પોકેટ વાઈઝ દર યોગ્‍ય છે કે નહીં તેની ચકાસણી કરશે. જંત્રીના નવા લાગુ થનારા દર સાયન્‍ટિફિક નહીં લાગે ત્‍યાં સુધી તેને અમલમાં મૂકાશે નહીંવહીવટી તંત્રમાં અને મુખ્‍યમંત્રી કક્ષાએ ઉચ્‍ચ સ્‍તરે મંજૂરી મેળવશે તે પછી જ નવા દર જાહેર કરવામાં આવશે. બીજી તરફ ૧ એપ્રિલથી નવા દરની જાહેરાત થઈ શકે છે તેવી ભીતિથી છેલ્લા પંદર દિવસથી મિલકતોના દસ્‍તાવેજ કરાવાના પ્રમાણમાં પણ ભારે વધારો થયો હતો. ખાસ કરીને એસજી હાઇવેથી લઈને ગાંધીનગરમાં મોટાપાયે દસ્‍તાવેજો થયા છે. નવા સુધારેલા દર કેવા જાહેર થાય છે તેની ઉપર રિઅલ એસ્‍ટેટથી લઈને એનઆરઆઈ અને રોકાણકાર વર્ગની પણ નજર છે.

તે સાથે હાલ પૂરતો જંત્રીના ભાવમાં વધારો ન થતા જે નાગરિકો હજુ પણ ઘર ખરીદવા માગે છે તેમને થોડો સમય મળી જશે. નવા ઘર કે દુકાનનો હાલના દરે જ દસ્‍તાવેજ થઈ શકશે.(૪૦.૩)

(9:57 AM IST)