News of Wednesday, 2nd April 2025
કર્મચારીઓને ગિફટ આપી ૧૨થી ૩૦ લાખની કાર્સ, આઇફોન અને ટુ વ્હિલર્સ
અમદાવાદી જ્વેલર્સની દરિયાદિલી, દરેક નોકરિયાતની ઇચ્છા હોય છે કે તેઓ જ્યાં કામ કરે છે તે કંપની તેમને પ્રોત્સાહિત કરે અને તેમના કામને બિરદાવે

અમદાવાદ, તો.૨: દરેક નોકરિયાતની ઇચ્છા હોય છે કે તેમની કંપની તેમના કામને પ્રોત્સાહિત કરે અને પગાર ઉપરાંત કોઈ પુરસ્કાર અને સારું વળતર આપે. એટલું જ નહીં અનેક સર્વેના તારણો અને નિષ્ણાતોની સલાહ રહી છે કે જો કર્મચારી નિષ્ઠાપૂર્વક કામ કરતો હોય તો કંપનીએ તેને પુરસ્કળત કરવો જોઈએ આમ કરવાથી કંપનીનો જ વધુ ફાયદો થાય છે કારણ કે તે વ્યક્તિ વધુ નિષ્ઠાથી કામ કરે છે. જેના પરિણામે કંપનીનો જ નફો વધે છે. આપણે ઘણીવાર એવા સમાચાર વાંચતા, જોતા અને સાંભળતા આવ્યા છીએ કે કોઈ કંપનીએ તેના કર્મચારીઓને કાર, સ્કૂટર, ફોરેન ટ્રિપ કે પછી ફ્લેટ ભેટ કર્યા હોય. હવે તેમાં આપણા અમદાવાદનું નામ પણ જોડાઈ ગયું છે.
અમદાવાદ પ્રખ્યાત કાબરા જ્વેલર્સે તેમની અભૂતપૂર્વ સફળતાની ઉજવણી એક અનોખી રીતે કરી છે. કંપનીએ વાર્ષિક રૂ. ૨૦૦ કરોડના ટર્નઓવરની સિદ્ધિ નિમિત્તે ૧૨ વરિષ્ઠ કર્મચારીઓને મોંઘીદાટ નવી કાર ભેટ આપી છે. આ કારની કિંમત ૧૨ લાખથી ૩૦ લાખ રુપિયા સુધી જાય છે. કંપનીના સ્થાપક અને એમડી કૈલાશ કાબરાએ ૨૦૦૬માં માત્ર ૧૨ કર્મચારીઓ સાથે કે કે જ્વેલર્સની શરુઆત કરી હતી.
વાત ફક્ત કાર કે બીજી મોંઘી ગિફ્ટ આપવા પૂરતી જ નથી. જે કર્મચારીઓને કાર આપવામાં આવી છે તેમને કારની સાથે સાથે આખા વર્ષનો ઇન્સ્યોરન્સ અને એક વર્ષ સુધી દર મહિને પેટ્રોલ-ડીઝલ પૂરાવવા માટે માસિક ૧૦૦૦૦ રુપિયાનું વધારાનું ઇન્સેન્ટિવ આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે. આ તો જાણે કે સોનામાં સુગંધ ભળી હોય તેવી વાત છે. સામાન્ય રીતે કંપનીઓ કાર સહિતની વસ્તુઓ ભેટ આપતી હોય છે પરંતુ અમદાવાદના આ જ્વેલર્સે તો કારની સાથે સાથે તેનો બધો ખર્ચો પણ આપી દીધો.
આ ૧૨ વરિષ્ઠ કર્મચારીઓ ઉપરાંત જ્વેલર્સના ૧૬ અન્ય કર્મચારીઓને ટુ વ્હીલર્સ, ૭ કર્મચારીઓને આઇફોન અને અન્ય કર્મચારીઓને સોના-ચાંદીના સિક્કા આપવામાં તો કોઈને ટુર પેકેજ આપવામાં આવ્યા છે. આમ કૂલ મળીને જ્વેલર્સના કૂલ ૧૩૦ કર્મચારીઓ પર જાણે કે ગિફ્ટનો ધોધમાર વરસાદ કરવામાં આવ્યો.
આ ગિફ્ટ મેળવીને કંપનીના કર્મચારીઓ ખુશીના માર્યા ઝુમી ઉઠ્યા હતા. જ્યારે કે કે જ્વેલર્સના માલિક કૈલાશ કાબરાએ કહ્યું કે, મારી કંપનીની પ્રગતિમાં ફાળો આપનારા કર્મચારીઓને ખુશ કરવા એ મારી પ્રાથમિકતા હોય છે. કંપનીએ આ વર્ષે ૨૦૦ કરોડના ટર્નઓવરનો માઇલસ્ટોન મેળવતાં તેમણે વિચાર્યું કે હું મારા મોજશોખ પછી પૂરા કરીશ પરંતુ કંપનીના કર્માચારીઓ જેમણે આ સફળતા માટે પોતાનો ફાળો આપ્યો છે તેમને ગિફ્ટ આપીને તેમની ખુશીઓમાં વધારો કરીશ. આ સાથે તેમણે ઉમેર્યું કે આ ગિફ્ટ તેમના પરફોર્મન્સના આધારે નહીં પરંતુ કંપની તરફની તેમની વફાદારી અને કર્તવ્યનિષ્ઠાને ધ્યાને રાખીને આપવામાં આવી છે. કૈલાશ કાબરાએ કહ્યું કે, અમે સૌથી જૂના કર્મચારીની સૌથી મોંઘી ગિફ્ટ આપી છે. કારણ કે તેમણે અમારા અને કંપનીમાં વિશ્વાસ મુકયો છે. બની શકે છે કે તેમના પછી જોડાયેલા કોઈ વ્યક્તિએ વધુ સેલ્સ કર્યું હશે કે ટાર્ગેટ પ્રાપ્ત કર્યો હશે પરંતુ મારા મતે કામની સાથે સાથે વફાદારી પણ વધુ મહત્વની છે. કંપની સ્થાપના સાથે ૨૦૦૮થી જ જોડાયેલા કર્મચારી મીતા પંચાલને જ્યારે કંપનીએ કાર ગિફ્ટ આપી તો તેમણે કહ્યું કે કયારેય એવું નહોતું વિચાર્યું કે હું કયાંય કામ કરતી હોઉં અને તે કંપની આટલી મોટી ગિફ્ટ આપશે. અમારા તમામ કર્મચારીઓને અહીં ઘર જેવું જ ફીલ થાય છે અને બધા પોતાનો જ બિઝનેસ છે તેમ જ માનીને પૂરી ખંતપૂર્વક કામ કરે છે. (રર.૧૪)
(3:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
