<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th April 2025

ઉમરપાડામાં આદર્શ નિવાસી કન્યાશાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીનું મોત: ટોર્ચર કરાતી હોવાનો પરિવારનો આક્ષેપ

પરિવારજનોએ કહ્યું - અચાનક એક દિવસમાં માથું દુખવાથી મોત થાય એટલે શંકાસ્પદ જેવું લાગે છે, દીકરી હોળી પર ઘરે આવી હતી ત્યારે ટોર્ચર થતું છે એવું કીધું હતું

સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં આવેલી આદર્શ નિવાસી કન્યાશાળામાં અભ્યાસ કરતી 14 વર્ષની વિદ્યાર્થીનીનું મોત નીપજ્યું છે. બાળકીને માથું દુખ્યા બાદ માથાના દુખાવાની દવા પીને સુઈ ગઇ હતી. જે બાદ વિદ્યાર્થીની ઉઠી જ ના હતી. વિદ્યાર્થિનીને હોસ્પિટલ લઇ જવાઇ હતી જોકે તબીબોએ મૃત જાહેર કરી હતી. બનાવ અંગે પોલીસે નોંધ કરી તપાસ હાથ ધરી છે. વિદ્યાર્થિનીને ટોર્ચર કરવામાં આવતી હોવાનો પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ સુરત જિલ્લામાં ઉમરપાડા તાલુકાના ગોવટ ગામમાં રહેતી 14 વર્ષીય યશ્વી અશ્વિનભાઈ વસાવા ઉમરપાડા તાલુકામાં આવેલી આદર્શ નિવાસી કન્યાશાળામાં ત્યાં જ રહેતી હતી અને અભ્યાસ કરતી હતી દરમ્યાન તેણીને માથામાં દુખાવો થયો હતો જેથી તે માથાની દુખાવાની દવા પીને સુઈ ગઇ હતી.

હોસ્ટેલની છોકરીઓ તેણે જગાડવા જતા તે જાગી ના હતી. જેથી હોસ્ટેલની ગૃહમાતા એ તેના પરિવારજને જાણ કરી હતી અને પરિવારજનો દીકરીને પહેલા બારડોલી હોસ્પિટલ ખાતે દાખલ કરી હતી. ત્યાથી વધુ સારવાર અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ લઇ આવતા ત્યાં બાળકીને મૃત જાહેર કરાઈ હતી. પોલીસે હાલમાં અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથધરી છે. વિદ્યાર્થિનીનું સિવિલ હોસ્પિટલમાં ફોરેન્સિક પીએમ કરવામાં આવ્યું હતું અને પીએમ રીપોર્ટ બાદ જ તેના મોતનું કારણ સામે આવી શકશે.

બાળકીના મામા નીતેશભાઈ વસાવાએ જણાવ્યું હતું કે મારનાર મારી સગી ભાણકી છે, અમને શાળામાંથી ચારેક વાગ્યે એવી માહિતી મળી કે તમારી દીકરી બીમાર છે તો તમે સ્કૂલે આવો, તો અમે સ્કૂલ પર ગયા ત્યારે અમારી છોકરી બેભાન અવસ્થામાં જોવા મળી હતી અને તે લોકોએ 108ને ફોન પણ કર્યો ના હતો અને ત્યાં આવ્યા હતા અને અમારી બાઈક પર સરકારી હોસ્પિટલ દવાખાને લઇ ગયા હતા. ત્યાં મૃત જાહેર કરાઈ હતી.

વધુમાં જણાવ્યું હતું કે તેના શરીર પર કાળા ડાગ જોવા મળ્યા છે, છોકરી કોઈ દિવસ બીમાર પડતી ના હતી અને અચાનક એક દિવસમાં માથું દુખવાથી મોત થાય એટલે અમને શંકાસ્પદ જેવું લાગે છે, દીકરી હોળી પર ઘરે આવી હતી ત્યારે સ્કૂલ પર રહેવાની નથી, ત્યાં ગમતું નથી ત્યાં ટોર્ચર થતું છે એવું કીધું હતું, અમારી દીકરીને સાચો ન્યાય મળવો જોઈએ એ અમારી માંગ છે

(7:15 PM IST)