<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th April 2025

દેડિયાપાડા તાલુકામાં જળસ્તર ૬૦૦ ફૂટ જેવા નીચે જતાં કુવા, બોરમાં પાણી માટે વલખા

કરોડોના ખર્ચે બનાવેલા ચેકડેમો માટીથી પુરાઈ જતા પાણીનો સંગ્રહ થતો નથી, ચેકડેમોની સફાઈ જરૂરી: રાજપીપળા શહેરમાં પણ મેં મહિનાના બદલે એપ્રિલ માસમાં જ જળ સ્તર નીચા જતા પાલિકા ટીમો કામે લાગી

( ભરત શાહ દ્વારા )નર્મદા:નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકામાં જમીનમાં જળસ્તર ૬૦૦ ફૂટે નીચે જતાં કુવા, બોરમાં પાણી મળતું નથી અને હેન્ડ પંપ પાણી વિના શોભાના ગાંઠિયા સમાન સાબિત થયા છે. દેડિયાપાડા તાલુકામાં એપ્રિલ માસથી જ આ જળ સંકટ શરૂ થઈ ગયું છે તો મે મહિના માં વધુ ગરમી પડશે ત્યારે શું હાલત થશે એ વિચારથી જ ખેડૂતો ચિંતિત છે

    દેડિયાપાડા તાલુકામાં હાલ પાણીના જળસ્તર જમીનમાં ૬૦૦ ફૂટ નીચે ઉતરી જતાં ખેડૂતોના ખેતરમાં કુવામાં અને પાણી માટેના બોર / ટયુબેલમાં પાણી નીચે ઉતરી જતાં પાણી મળતું બંધ થઈ ગયું છે. ખેડૂતોને ઉનાળું પાકો માટે સિંચાઈના પાણી મળતાં બંધ થઈ ગયા છે. ગામડાંઓમાં પાણી પીવા માટેના કુવામાં, બોર અને હેન્ડ પંપમાં પાણી
મળતું નથી અને પાણીની સમસ્યા સર્જાય છે. પાણી વિના મનુષ્યો , પશુઓ અને પક્ષીઓ અને જંગલના પ્રાણીઓની કફોડી હાલત બની છે. ચેકડેમો, તળાવમાં પાણી જોવા મળતાં નથી.પાણી વિના આદિવાસી લોકો વલખાં મારી રહ્યા છે.સરકાર દ્વારા પાણીની વ્યવસ્થા કરવામાં આવે એવી લોકોએ માંગણી કરી છે. દેડિયાપાડા અને સાગબારા તાલુકા માં "જલ સે નલ" યોજના અંતર્ગત પીવાનું પાણી મળતું નથી. આ યોજના આ તાલુકામાં સંપૂર્ણ નિષ્ફળ ગઈ છે. સરકારની આ યોજના ના કરોડો રૂપિયા પાણીમાં ગયા છે.
દેડિયાપાડા તાલુકામાં પાણીના જળસ્તર નીચે જવાના મુખ્ય કારણો માં દેડિયાપાડા તાલુકામાં વિવિધ જગ્યાએ ચેકડેમો કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલા છે. આ ચેકડેમો માટીથી પુરાઈ ગયા છે.તેની સાફ સફાઈ કરવામાં આવતી નથી. ચેકડેમમાં માટી પુરાઈ ગઈ છે એટલે ચેકડેમોમાં પાણીનો સંગ્રહ થતો નથી અને ચેકડેમો પાણી વિના શોભાના ગાંઠિયા સમાન સાબિત થયા છે. ઘણી જગ્યાએ ચેકડેમો ખંડેર હાલતમાં છે. ચેકડેમો રીપેર કરવામાં આવતાં નથી. ચેકડેમના બાંધકામમાં ગુણવત્તા વિહોણી કામગીરી કરવામાં આવી રહી છે. જેની તપાસ હાથ ધરવામાં આવે એવી લોકો માંગ કરી રહ્યા છે. પાણીના જળસ્તર નીચે જવાના કારણોમાં ચેકડેમનો સમાવેશ થાય છે. દેડિયાપાડા તાલુકામાં અંદાજીત ૩૩ તળાવો છે.
આ તળાળાઓમા એક ટીપું પણ હાલ પાણી જોવા મળતું નથી જેના કારણે જમીનમાં જળસ્તર નીચે ઉતરી ગયા છે. તળાવોનો કરોડો રૂપિયા ખર્ચ પાણીમાં ગયો છે.
રાજપીપળા શહેરમાં પણ પાણીના સ્તર નીચે જતા પાલિકા વોટર વર્કસની ટીમો બોરનું ખોદકામ કરી પાઇપો નીચે ઉતરવાના કામે લાગી છે. આમ તો દર વર્ષે ઉનાળામાં મેં મહિનામાં પાણીના સ્તર નીચે જતા હોય છે પરંતુ આ વર્ષે એપ્રિલ મહિનામાં જ સ્તર નીચે જતા પાલિકા ટીમ કામે લાગી છે.

(11:20 PM IST)